Gujarat

25,000 વોટની લાઇનથી 50 મીટર દૂર ઉપલેટામાં યોજાશે મેળો

જન્માષ્ટમીના તહેવારો આવી ગયા અને મેળાના શુભારંભની રીબન કપાવાની જ બાકી રહી છે ત્યારે ઉપલેટામાં એક ચોંકાવનારી હકિકત સામે આવી છે કે જ્યાં મેળો યોજવામાં આવી રહ્યો છે તે હેરિટેજ તાલુકા શાળાના મેદાનથી 50 મીટર જ દુર રેલવેની 25,000 વોટ્સની વીજલાઇન પસાર થઇ રહી છે અને આ ટ્રેક પર દિવસની 10થી વધુ માલગાડી અને પેસેન્જર ટ્રેન 110થી વધુ કિમી પ્રતિ કલાકની ઝડપે પસાર થાય છે.

આથી લોકોની સલામતીનું શું એ સવાલ સહેજે થાય અને જોવાની ખૂબી એ કે વહીવટી તંત્રે રેલવે તંત્રને આ બાબતે જાણ સુધ્ધાં કરી નથી અને સામે એ પણ ખુલ્યું છે કે આ મેળાની મંજૂરીની પ્રક્રિયા હજુ ચાલુ છે અને પાલિકાએ મેદાન ભાડે આપી તૈયારી શરૂ પણ કરાવી દીધી છે.

રાજ્ય સરકારની એસઓપીના લીધે આ વખતે મેળાની મંજૂરી સહિતની પ્રક્રિયા અનુસરવી ફરજિયાત બની છે ત્યારે ઉપલેટામાં આ વર્ષે મોજ નદીના પટમાં કે જ્યાં વર્ષોથી મેળો યોજાતો હતો ત્યાં વધુ વરસાદ પડ્યો હોવાને લીધે જમીન પોચી હોવાને લીધે મેળો યોજાઇ શકે તેમ નથી આથી હેરિટેજ તાલુકા શાળાના ક્રિકેટ મેદાનમાં મેળો યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. અહીં મેળા સ્થળથી સાવ નજીકથી જ હાઇસ્પીડ રેલવે ટ્રેક પસાર થઇ રહ્યો છે અને ઉપરથી 25,000 વોટ્સની વીજ લાઇન. જે બાબતને સાવ નજર અંદાજ કરાઇ છે.