સુડાવડ ખોડિયાર માતાજીના મંદિરે ભાવભક્તિ સાથે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો
( ગુરૂપૂજન, મહાઆરતી, ધર્મસભા, સંતો, પત્રકારોના સન્માન, મહાપ્રસાદ જેવા કાર્યક્રમો)
બગસરા તાલુકાના સુડાવડ ગામે તા.૨૧-૭-૨૦૨૪ ના રોજ ખોડિયાર માતાજીના મંદિરે સવારથીજ ગુરુ પૂર્ણિમાના પ્રસંગે ભૂદેવના કંઠેથી શ્લોક, મંત્રોચ્ચાર સાથે બ્રહ્મલીન પૂ.બાબુદાસબાપુની સમાધિસ્થાને ગુરુપૂજન, ધૂપ દીપ, આરતી દ્વારા ભાવભક્તિ સાથે ઉજવવામાં આવેલ.
ત્યારબાદ ધર્માનુરાગી ભાઈઓ, બહેનો, સંતો, આમંત્રિત મહેમાનો સેવકગણ સાથે ગુરુપૂર્ણિમાના મહિમા અર્થે એક ધર્મસભાનું આયોજન કરવામાં આવેલ. સૌ પ્રથમ જગ્યાના કોઠારી અને માર્ગદર્શક એવા શ્રીકરસનભાઈ ભગતે આજના પવિત્ર પ્રસંગે ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કરેલ.
જગ્યાના મહંત પૂ. જીગ્નેશબાપુએ પધારેલ સંતોને પુષ્પમાળા, શાલ અને ભેટપૂજા અર્પણ કરી આશીર્વાદ મેળવેલ. કોઠારી કરસન ભગતે ખેડૂત સહકારી ક્ષેત્રે સંકળાયેલ અને સાચા માર્ગદર્શક હરેશભાઈ પટોડીયા તથા વિસાવદર વરિષ્ઠ પત્રકાર સી.વી.જોશી, પત્રકાર મિત્રો તેમજ આમંત્રિત મહેમાનોને પુષ્પમાળા તથા શાલ ઓઢાડી સન્માનિત કરેલ.
ત્યારબાદ ધર્મ સભામાં ઉપસ્થિત મહાનુભવો સહકારી અગ્રણી શિવલાલભાઈ ઠુંમર, સંગીતાબેન, રમણીકભાઈ દુધાત્રા, પ્રવિણભાઈ આસોદરીયા, રમેશભાઈ સુવાગ્યા, ઘનશ્યામભાઈ સાવલિયા, વિઠ્ઠલભાઈ દુધાત્રા, ભાસ્કરભાઈ જોશી, કાનાણીભાઈ, સી.વી.જોશી પત્રકાર તથા કનુભાઈ ભાલાળાએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવેલ કે બ્રહ્મલીન ગુરુ પૂ. બાબુદાસબાપુના વિચારો સમાજ સેવાના કાર્યો કરવા આપણા માટે દિવાદાંડી સમાન છે. તમામ ગુરુઓના ચરણે જીવન સમર્પિત કરવાનું પર્વ એટલે ગુરુપૂર્ણિમા. ગુરુનો મહિમા, સદગુરુ કોને કહેવાય, વ્યસનમુક્તિ, ગુરુ શિષ્યનો સંબંધ જેવી બાબતો પર વિસ્તૃત છણાવટ કરવામાં આવેલ. કોઠારી શ્રીકરસનભગતે જણાવેલ કે આ જગ્યામાં સંતો, મહંતો, આમંત્રિત મહેમાનો, દાતાશ્રીઓ, સ્વયંસેવકો સેવાના ભાવ સાથે સહયોગ આપી દરેક પ્રસંગોને યાદગાર બનાવે છે.
કાર્યક્રમમાં ઉપસ્થિત સંતો પૂ.સિતારામબાપુ, પૂ.રામદાસબાપુ, પૂ. રમેશબાપુ, તથા મહેમાનો કરસનભાઈ વાડદોરિયા, જી.વી.જોશી જયેશભાઈ શાસ્ત્રી, આર.એન. ગોહેલ, મધુભાઈ પદમાણી, ચંદ્રકાંત ખુહા તેમજ બહોળી સંખ્યામાં ભાઈઓ, બહેનો, બાલદેવો ઉપસ્થિત થયેલ. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જગદીશભાઈ રામોલિયા તથા આભારવિધિ કાંતિભાઈ પ્રજાપતિએ કરેલ. બાદ પ્રસાદ ગ્રહણ કરી સૌએ ધન્યતા અનુભવેલ.
સી. વી. જોશી વિસાવદર






