આજે 26 મે, 2024ના ગુજરાત હાઇકોર્ટમાં રાજકોટ TRP ગેમિંગ ઝોન અગ્નિકાંડ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો લીધી હતી. આ અગ્નિકાંડ મુદ્દે હાઇકોર્ટે રવિવારે એટલે કે રજાના દિવસે સુનાવણી યોજી હતી.
આજે સ્પેશિયલ જજ બીરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની બેન્ચ બેસી છે.હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી અને એડવોકેટ અમિત પંચાલ દ્વારા દલીલો કરવામાં આવી હતી.
ઓથોરિટીએ બેદરકારી દાખવી: હાઇકોર્ટ
એડવોકેટ દ્વારા કોર્ટ સમક્ષ રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનાના ન્યૂઝ પેપરના કટિંગ મુકાયા હતા. 30 જેટલા માણસો આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હોવાનું કોર્ટને જણાવાયું હતું. આ આંકડો વધી શકે છે. ઓળખી શકાય નહિ તે પ્રકારે લોકો બળ્યા છે.
હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ફાયર સેફ્ટી મુદ્દે જુદી-જુદી અરજીઓમાં નિર્દેશ છત્તા આવી દુર્ઘટનાઓ બને છે. TRP ગેમ ઝોન પાસે કોઈ ફાયર સેફ્ટી પરમિશન નહોતી. ઓથોરિટીએ પણ બેદરકારી દાખવી છે.
‘ઇમરજન્સી ગેટ બંધ હતા, અંદર જ્વલનશીલ પદાર્થ પણ હતા’
હાઇકોર્ટે કહ્યું કે, રેસિડન્સ પ્લોટ ઉપર ગેમ ઝોન બનાવાયો છે. ફાયર સેફ્ટી નહોતી. વેલ્ડિંગ અને કામગીરી ચાલુ હોવા છતાં લોકોને પ્રવેશ અપાયો હતો. TRPમાં ગેમ ઝોનમાં જ્વલનશીલ પદાર્થો પણ હતા. તો સાથે જ ઇમરજન્સી ગેટ પણ બંધ હતો.
એક છોકરાએ 15 લોકોને બચાવ્યા છે. આગ ઓલવવાના પંપ પણ પેટી પેક હતા. હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી દ્વારા સિટિંગ જજ તપાસની માંગ કરવામાં આવી છે.

