છોટીકાશી જામનગરમાં દેવાધિદેવ મહાદેવની ભકિતના શ્રાવણ મહિનાનો સોમવારે શ્રધ્ધા સાથે પ્રારંભ થયો છે. પ્રથમ સોમવારે શહેરના શિવાલયોમાં ઓમ નમ: શિવાયનો નાદ ગુંજી ઉઠયો હતો. ભાવિકો શિવભકિતમાં લીન બન્યા છે.
શહેરમાં સોમવારે વહેલી સવારથી જ વિવિધ શિવાલયોમાં શિવ ભક્તોએ બિલિપત્ર ઉપરાંત જળાષિભેક સહિતની પૂજા કરી ભોળાનાથને રિઝવવા પ્રાર્થના કરી હતી. શહેરનાં પ્રાચીન સિદ્ધનાથ મહાદેવ મંદિર તથા નાગેશ્વર મહાદેવ મંદિર, ભીડભંજન મહાદેવ મંદિર, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, વૈજનાથ મહાદેવ મંદિર, હાટકેશ્વર મહાદેવ મંદિર, હજારેશ્વર મહાદેવ મંદિર સહિતના શિવાલયોમાં દર્શન માટે ભકતોની કતાર જોવા મળી હતી.
ભક્તોએ રુદ્રાભિષેક, જલાભિષેક તથા બિલ્વપત્ર ચડાવી દેવાધિદેવની આરાધના કરી હતી. પોલીસ વિભાગ અને હોમગાર્ડનાં જવાનોને પણ અલગ અલગ શિવ મંદિરોના દ્વારે બંદોબસ્ત માટે મૂકવામાં આવ્યા છે.

