Gujarat

નવાપુરાના લોકોને 25 દિવસથી કાળા પાણીની સજા મેયર-સ્થાયી ચેરમેનને બદલે ડે. મેયર સ્થળે પહોંચ્યા

વોર્ડ 13માં નવાપુરામાં ગંદા પાણીના પ્રશ્નનો ઉકેલવામાં ભાજપ સાથે તંત્ર નિષ્ફળ નિવડ્યું છે. પ્રજાને ગંદા પાણીથી પડતી મુશ્કેલીઓ દૂર કરવાને બદલે પદાધિકારીઓ આ મુદ્દાનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું સપાટી પર આવ્યું છે.

નવાપુરામાં 25 દિવસથી કાળું પાણી આવતું હોવાની ફરિયાદો છે. 40 વર્ષ પહેલાં બનેલા પંપિંગ સ્ટેશનની કેપેસિટી ઓછી હોવાથી ડ્રેનેજના પાણીનો નિકાલ ઝડપથી થતો નથી. ભાજપનાં મહિલા કોર્પોરેટરે સ્થાયી ચેરમેન સાથે બોલાચાલી કરી હતી.

બીજી તરફ મેયર અને સ્થાયી ચેરમેનને રહીશોએ કરેલી રજૂઆત છતાં સ્થળ પર જવાનું ટાળ્યું હતું. બીજી તરફ તાલ જોઈ બેઠેલા ડે. મેયર ચિરાગ બારોટ સ્થળે દોડી ગયા હતા. તેઓએ પંપિંગ સ્ટેશનની મુલાકાત લીધી હતી.

તેઓએ કહ્યું કે, ગંદા પાણીના નિકાલ માટે વધુ ટીમ કામે લગાડવા સૂચના આપી છે. જ્યારે કોર્પોરેટર જાગૃતિ કાકાએ કહ્યું કે, પૂરતા ટેન્કર પહોંચાડાતાં નથી. 2-3 ટેન્કર મોકલવાનું કહીએ છીએ તો માત્ર એક જ ટેન્કર પહોંચે છે.