Gujarat

ટુ-વ્હીલરમાં 32 હજારનો દારૂ લઇ જતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો

આદિપુરના સિંધુ વર્ષા ચાર રસ્તા પાસે મળેલી બાતમીના આધારે વોચ ગોઠવીને ઉભેલી સ્થાનિક પોલીસે ટુ-વ્હીલરમાં રૂ.32 હજારના વિદેશી દારુની હેરાફેરી કરી રહેલા ઇસમને પોલીસે પકડી લઇ વાહન અને મોબાઇલ સહિત 82 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જો કે બીજો આરોપી દરોડા સમયે હાજર મળ્યો ન હતો.

આદિપુરના પીએસઆઇ બી.જી.ડાંગરે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગત રાત્રે પેટ્રોલિંગ દરમિયાન ટીમ લછવાણી ધર્મશાળા પાસે પહો઼ચી ત્યારે બાતમી મળી હતી કે, આદિપુરના વોર્ડ-4/એ માં રહેતો વિનોદ ઉર્ફે બાદશાહ હીરજી મહેશ્વરી નંબર પ્લેટ વગરના એક્સેસ ટુ-વ્હીલરમાં આગળના ભાગે પીળા થેલામાં વિદેશી દારૂનો જથ્થો લઇ સિંધુ વર્ષા પાસેથી પસાર થવાનો છે.

આ બાતમીના આધારે સિંધુ વર્ષા ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી મુજબની ગાડી લઇને આવતા વીનોદને રોકી થેલાની તલાશી લેતાં રૂ.31,290 ની કીંમતના અલગ અલગ બ્રાન્ડના વિદેશી દારૂની 37 બોટલો તથા રૂ.900 ની કિંમતના 9 ક્વાર્ટરિયા મળી કુલ રૂ.32,190 નો દારૂ મળી આવતાં વાહન અને મોબાઇલ સહિત રૂ.82,190 નો મુદ્દામાલ જપ્ત કરી વિનોદની અટક કરી હતી.

જો કે આ દરોડા દરમિયાન બીજો સાતવાળીમા઼ રહેતો આરોપી હરેશ ઘનશ્યામભાઇ પીમનાણી હાજર મળ્યો ન હતો. બન્ને સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરાઇ હતી.