જામનગર વેસ્ટ ઇન્ડિઝ અને યુએસએમાં રમાઈ રહેલા ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગઈકાલે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રોમાંચક ફાઈનલ મેચ યોજાયો હતી, જેમાં ભારતને શાનદાર જીત મળી હતી, અને જામનગર શહેરમાં પણ મોડી રાત્રેક્રિકેટ પ્રેમીઓએ જીતનો જશ્ન મનાવ્યો હતો.

શહેરના કેટલાક વિસ્તારોમાં આતશબાજી પણ કરાઈ હતી. ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની ટ્વેન્ટી-20 ક્રિકેટ ફાઇનલ મેચ હકીકતમાં દિલ ધડક રહી હતી, ભારતે 20 ઓવરમાં 176 ૨ન મારીને આફ્રિકાને 177 રનનો ટાર્ગેટ આપ્યા બાદ આફ્રિકાએ 169 રન બનાવ્યા હતા અને ભારતનો સાત રને રોમાંચક વિજય થયો હતો.

એક સમયે આફ્રિકાને 30 બોલમાં 30 રન જોતા હતા અને હાર્દિક પંડયા એ ક્લાસેનની વિકેટ ઝડપી ત્યારબાદ બુમરાહે બેટ્સમેન પર કાબુ મેળવ્યો હતો અને સુર્યાએ છેલ્લી ઓવરમાં મીલરના કેચ ઝડપી આફ્રિકાને સાત રને હરાવ્યું હતું અને ભારત વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું.

વિરાટ કોહલી પ્લેયર ઓફ ધ મેચ અને બુમરાહ પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો હતો.ભારતીય સમય પ્રમાણે રાત્રિના એકાદ વાગ્યા બાદ મેચની પૂર્ણાહુતિ પછી ભારતીય ટીમની વિજયનો જામનગરમાં પણ મોડી રાત્રે જશ્ન જોવા મળ્યો હતો. ખાસ કરીને શહેરના હવાઈ ચોક વિસ્તારમાં અનેક ક્રિકેટ પ્રેમીઓ ઉત્સાહ ભેર એકત્ર થયા હતા, અને તિરંગા ઝંડા સાથે આવી પહોંચી ‘ભારત માતાકી જય’ના નારાઓ લગાવ્યા હતા, એટલું જમાત્ર નહીં, પરંતુ ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી.
ઉપરાંત જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ, રણજીત નગર, પટેલ કોલોની, ચાંદી બજાર સહિતના અન્ય વિસ્તારોમાં પણ ક્રિકેટ પ્રેમીઓ મોડી રાત્રે બહાર નીકળી આવ્યા હતા, અને ક્યાંક આતશબાજી જોવા મળી હતી. તો કયાંક ભારત માતાકી જય ના નારા લગાવતા જોવા મળ્યા હતા.