Gujarat

આદિત્યનગરમાં ગટર માટે રોડ ખોદી નાંખતા 15,000ની વસ્તી હેરાન પરેશાન

શહેરના જોષીપરા સ્થિત આદિત્ય નગરમાં ભૂગર્ભ ગટર માટે રસ્તો ખોદવામાં આવ્યો હતો. ચારેક મહિના કરતા વધુ સમય વિતવા છતાં હજુ ભૂગર્ભ ગટરનું કામ હજુ પુરૂં થયું નથી. પરિણામે હજુ સુધી રોડ પણ બન્યો નથી.

આમ, ગટરની સુવિધા લેવા આદિત્ય નગરની 15,000થી વધુની જનતાને જતા રોડની સુવિધા ગૂમાવવી પડી છે. હવે આડેધડ રીતે કરાયેલા ખોદકામના કારણે ખાડા અને તેમાં પાણી ભરાવાની દુવિધા ઉભી થઇ છે. વળી, ભૂગર્ભ ગટરના ઢાંકણા 1-1 ફૂટ ઉંચા રાખી દેતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સેવાઇ રહ્યો છેે.

રસ્તો એવો બની ગયો છે કે વાહન પણ ચાલી શક્તા નથી.અનેક પરિવારોને વાહન બહાર મૂકીને ચાલીને ઘરે આવવું પડે તેવી સ્થિતી છે. ચોમાસું તો ખાડાઓમાં ભરાયેલા ગંદા પાણી વચ્ચે કાઢ્યું. હવે આગામી દિવસોમાં નવરાત્રિ – દિવાળીના તહેવારો આવશે. ત્યારે આ તહેવારો પહેલા ગટરનું બાકી કામ પૂર્ણ કરી સારા રસ્તાની સુવિધા આપવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે.