જામનગરમાં દર વર્ષે સામાન્ય રીતે 15 જૂનથી ચોમાસાનું આગમન થતું હોય શહેરને પાણી પુરૂં પાડતા જળાશયોમાં જુલાઇ સુધીની જળરાશિ હોય ઉનાળો હેમખેમ નીકળી જશે. જિલ્લાના 23 માંથી 2 ડેમ ખાલી થયા છે. 17 જળાશયમાં ફેબ્રુઆરીથી જુન સુધીનો પાણીનો જથ્થો છે. આથી હજુ પીવા માટે પાણીનો જથ્થો અનામત રાખવામાં આવ્યો નથી. ખેડૂતોને પણ સિંચાઇ માટે પાણી આપવામાં આવતું હોય ઉનાળુ પાકના ઉજળા ચિત્રની આશા છે. જો કે, ઉનાળામાં પાણીનું બાષ્પીભવન અને માંગ પર ખરો આધાર છે.
જામનગરમાં દર વર્ષે સામાન્ય રીતે 15 જૂનથી ચોમાસાનું વિધિવત આગમન થાય છે. પરંતુ તે પહેલા ઉનાળામાં પાણીની ચિંતા લોકોને સતાવે છે. પરંતુ ગત વર્ષે મેઘરાજાએ મહેર કરતા મોટાભાગના જળાશયો ઓવરફલો થયા હતાં. આથી ચાલુ વર્ષે ઉનાળો હેમખેમ નીકળી જશે. કારણ કે, જામનગર શહેરને પાણી પુરૂં પાડતા સસોઇ, ઉંડ-1, રણજીતસાગરમાં જુલાઇ મહિના સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો છે. વળી આજી-3 ડેમમાં સૌની યોજના દ્રારા નર્મદાનું પાણી ઠાલવામાં આવે છે. તદઉપરાંત દરરોજ નર્મદાનું 25 એમએલડી પાણી મળી રહ્યું છે.
આથી મનપાનું તંત્ર ઉનાળામાં શહેરીજનોને એકાંતરા પાણીનું વિતરણ રાબેતા મુજબ કરી શકાશે. પરંતુ ઉનાળામાં કેટલી ગરમી પડે છે તેના પર ખરો આધાર છે. કારણ કે, આકરો તાપ પડવાથી જળાશયોમાં રહેલા પાણીનું કેટલું બાષ્પીભવન અને પાણીની માંગમાં કેટલો વધારો થાય છે તે બંને મહત્વની બાબત છે. જો કે, જુલાઇ સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો હોય તંત્રએ હાશકારો અનુભવ્યો છે.
જામનગર શહેરને દરરોજ 140 એમએલડી પાણીની જરૂરિયાત રહે છે
જામનગર શહેરને દરરોજ 140 એમએલડી પાણીની જરૂરિયાત રહે છે જામનગર શહેરમાં વિસ્તાર પ્રમાણે હાલ એકાંતરા પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. આથી શહેરની દરરોજ 140 એમએલડી પાણીની જરૂરિયાત રહે છે. જેમાં સસોઇમાંથી 25, ઉંડ-1 માંથી 25, આજી-3 માંથી 40, રણજીતસાગરમાંથી 25 અને નર્મદાનું 25 એમએલડી પાણી લેવામાં આવે છે. શહેરને પાણી પુરૂં પાડતા જળાશયોમાં જુલાઇ સુધી ચાલે તેટલો જથ્થો છે.
જિલ્લાના 9 ડેમમાંથી સિંચાઇ માટે પાણી આપવામાં આવે છે
જામનગર શહેરને પાણી પુરૂં પાડતા જળાશયોમાં જુલાઇ મહીના એટલે કે ચોમાસું શરૂ થાય ત્યાં સુધીનો પાણીનો જથ્થો છે. આથી હાલ 9 જળાશયોમાંથી સિંચાઇ માટે પાણી આપવામાં આવી રહ્યું છે. જેમાં ઉંડ-1, સસોઇ, પન્ના, વિજરખી, ઉંડ-3, ફુલઝર કોટડા બાવીસી, આજી-4, ઉંડ-2 અને રૂપારેલ ડેમનો સમાવેશ થાય છે.