Gujarat

શાહની રેલીથી ઘાટકોપરના રહેવાસીઓમાં અતિ ઉત્સાહ

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના મતદાનમાં હવે ગણ્યાગાંઠ્યા દિવસો બાકી છે એવામાં બધી જ પાર્ટીઓ પોતાની સર્વ તાકાત કામે લગાવી રહી છે. મોટા નેતાઓ રેલીઓ લઈ રહ્યા છે, જ્યારે ઉમેદવારો પદયાત્રા થકી મતદારો પાસે પહોંચી રહ્યા છે.

ચૂંટણીપ્રચારના પડઘમ પાંચ દિવસમાં શમી જવાના હોવાથી પાર્ટીઓ અને ઉમેદવારોનું જોર વધી ગયું છે. આવા સંજોગોમાં મંગળવારે દેશના ગૃહમંત્રી અમિત શાહે ઘાટકોપરમાં રેલી યોજી હતી, જે પછી સ્થાનિક રહેવાસીઓમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

અહીં મહાયુતિ વતી ભાજપના ઉમેદવાર પરાગ શાહ ઊભા છે, જેમની સામે રાષ્ટ્રવાદી કોંગ્રેસ શરદ પવાર જૂથનાં રાખી જાધવ છે. બંને તરફથી જોરદાર પ્રચાર ચાલી રહ્યો છે. મુંબઈની હોટ સીટમાંથી ઘાટકોપર પૂર્વ પણ એક છે. આથી સૌની મીટ આ બેઠક પર પણ ખાસ મંડાયેલી છે. અમિત શાહે પરાગ શાહના મતદારસંઘમાં રેલી કરી હતી.

બુધવારે પરાગ શાહ દ્વારા પંતનગર વોર્ડ ક્રમાંક ૧૨૫ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલવે પોલીસ કોલોનીથી શરૂ કરવામાં આવી હતી જે સમતા કોલોની, સંક્રમણ શિબિર કેમ્પ, અભિનવ મિત્ર મંડળ, પિંપળેશ્વર સહી દરબાર, નાયડુ કોલોની, એમ.આઈ.જી. કોલોની, ડો. બાબાસાહેબ આંબેડકર ચોક લઈને ગણેશ મંદિર ૯૦ ફિટ રોડ ઉપર સમાપન કરવામાં આવ્યું હતું. બીજી રાખી જાધવે પણ જોર લગાવ્યું છે.

તેઓ પણ વિવિધ વિસ્તારમાં પદયાત્રા કરી રહ્યા છે અને મતદારોને પોતાને મત આપવા માટે રીઝવી રહેલાં જોવા મળે છે.