શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતુ મા જગતજનની અંબાનું મંદિર વિશ્વવિખ્યાત છે. મા અંબાના પ્રતિ આસ્થા અને શ્રદ્ધાને લઇ હજારો લાખોની સંખ્યામાં માઇ ભક્તો માતાજીના દર્શનાર્થે આવતા હોય છે.

દરરોજ હજારોની સંખ્યામાં માઇભકતો મા અંબાના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવે છે. ત્યારે ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન યાત્રાળુઓની સંખ્યા લાખોમાં થતી હોય છે.
આ ભાદરવી પુનમ મહામેળા દરમિયાન લાખોમાં આવતા યાત્રાળુઓની સગવડતાને જોઈ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ ઉભી કરવામાં આવતી હોય છે.
12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર દરમિયાન અંબાજી ખાતે ભાદરવીનો મહામેળો યોજનાર છે. જેમાં લાખોની સંખ્યામાં માઇભક્તો મા અંબાના દર્શનાર્થે આવનાર છે.
મોટી સંખ્યામાં આવતા ભક્તોને માતાજીના દર્શન સરળતાથી થઈ શકે અને કોઈપણ અગવડતા ન થાય તે માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી મંદિરના સમયમાં વધારો કરાયો છે. ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન માઈભક્તો સવારે 6:00 કલાકેથી લઈને રાત્રિના 12 કલાક સુધી માતાજીના દર્શનનો લાભ લઈ શકશે.

