ભુજની ભાગોળે તા.2ના સવારે દશેક વાગ્યે ઘરેથી નીકળી ગયા બાદ યુવાન ગુમ થતા તેની પત્નીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે મોબાઈલ લોકેશનના આધારે તેના સંગડ મેળવી ત્યાં પહોંચતા લાપતા યુવક બાવળની ઝાડીઓમાં રસ્સાથી બાંધેલી અને અત્યંત મારના લીધે બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો.
યુવકને પ્રથમ ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો છે, જયા હાલ તે સારવાર હેઠળ દાખલ છે.
શહેરમાં ચકચાર જગાવનાર આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસ પાસેથી મળેલી વિગતો મુજબ રાજકોટ નાગરિક બેન્ક ભુજ શાખામાં થોડા સમય પૂર્વે પટાવાળા તરીકે નોકરીએ લાગેલો અંદાજીત 40 વર્ષીય યુવક સામત હમીર જેપાર મુંદરા રોડના શનિદેવ મંદિર સામેના ઘનશ્યામ નગરમાં રહે છે.
ગઇકાલે સવારે ઘરેથી નીકળી ગયા બાદ પરત ન ફરતા તેના પત્નીએ ચિંતાગ્રસ્ત હાલતમાં પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે પણ બનાવની ગંભીરતા સમજી સામતના મોબાઇલ નંબર પરથી તેનું લોકેશન મેળવવા તુરંત કાર્યવાહી આદરી હતી.
મોબાઇલનું લોકેશન તેના ઘરની સામેની બાજુ બતાવ્યું હતું. જ્યાં જઈને પોલીસે તપાસ કરતા બાવળોની ઝાડીમાં રસ્સા સાથે બાંધેલી અને મારના લીધે બેભાન અવસ્થામાં સામત મળી આવ્યો હતો.
આ બાદ તેને સારવાર અર્થે કેકે હોસ્પિટલમાં ખસેડાયા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા છે. સામત હજુ બેભાન અવસ્થામાં હોઇ બનાવ પાછળની કોઇ વિગતો મળી નથી. તે ભાનમાં આવ્યા બાદ જ આ ઘટનાનો ભેદ ઉકેલાસે.