૫૦ વર્ષથી નીચેના સાંસદોને યુવાન ગણીએ તો યુવા સાંસદો માત્ર ૩ જ
અમદાવાદ,
ભાજપ નો રીપિટ થિયરી, જૂના જાેગીઓ અને ૭૦ ઉમેદવારોને ટિકિટ નહીં જેવા રૂપકડા નામો હેઠળ ટિકિટ ના ફાળવવાના પ્લાન તો ઘડે છે પણ હાલમાં ગુજરાતમાં ૨૬ લોકસભા બેઠક પર એકપણ યુવા સાંસદ નથી. જાે તમે ૫૦ વર્ષથી નીચેના સાંસદોનો યુવા ગણો તો યુવા સાંસદો માત્ર ૩ જ છે. એમાંયે પૂનમ બેન માડમ હવે ૫૦ ના થઈ જશે. ગુજરાતમાં લોકસભાની તૈયારીઓ પૂરજાેશમાં ચાલી રહી છે. ભાજપે ૫ લાખની લીડથી હેટ્રીક ફટકારવાના સપનાં સાથે સરકાર અને સંગઠનને કામે લગાડ્યું છે. સત્તા, મની પાવર અને સંગઠનના જાેરે ભાજપ આ ટાર્ગેટને હાંસલ કરવા માગે છે. લોકસભાની ચૂંટણીમાં વિજેતા થઈ મોદીને ફરી દિલ્હીની ગાદી સોંપવા માટે ભાજપે દેશભરમાં તૈયારીઓ લગભગ પૂર્ણ કરી લીધી છે. ગુજરાત એ અમિત શાહ અને મોદીનું હોમ સ્ટેટ હોવાને પગલે ભાજપ અહીં ૨૬માંથી ૨૬ બેઠકો જીતવા માગે છે. લોકસભાની ચૂંટણીમાં હાલમાં અમિત શાહ અને પાટીલ સિવાય કોઈની પણ ટિકિટ ફાયનલ નથી.
ભાજપ મંત્રીઓ પુરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાને પણ રાજ્યસભામાં રીપિટ નહીં કરે તો લોકસભાની ચૂંટણી લડાવશે. ગુજરાતમાં ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં ૧૮૨માંથી અંદાજીત ૭૨ જેટલા ધારાસભ્યોને જ રિપીટ કર્યા હતા જ્યારે ૧૧૦ જેટલા ધારાસભ્યો ‘નો રિપીટ થિયરી’નો ભોગ બન્યા હતા. અમદાવાદ જેવા શહેરમાં માત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને એક પૂર્વ મંત્રી જગદીશ વિશ્વકર્માને જ રીપીટ કર્યા હતા, જ્યારે ૧૪ જેટલા નવા ઉમેદવારોને તક આપી હતી. ભાજપના સાંસદ મનસુખ વસાવાએ હવે ભાજપ હાઇકમાન્ડ સામે આત્મસમર્પણ કર્યું છે. ભાજપે વસાવાને છ વખત ટીકીટ આપી છે. એટલે એમને મૂંગા મંતર થઈને પાર્ટી જે ઉમેદવાર નક્કી કરે. તેને જીતાડવાની જવાબદારી મારી છે એમ કહી હાથ ખંખેરી લીધા છે. મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ પણ ચૂંટણી નહી લડવાની જાહેરાત કરી ચૂક્યા છે. તેમણે ઇશારો કરતાં કહ્યું હતું કે, ‘મારી હવે ઉમર થઇ છે. ટિકીટના માપદંડમાં આવતી નથી. દેશને આજે યુવાઓની જરૂર છે. યુવાનોને તક આપવી જાેઇએ. વર્તમાન સમયમમાં દેશને આઇટી સેક્ટર-ટેકનોલોજીના જાણકાર યુવાઓની વધુ જરૂર છે.
આમ આ બંને ઉમેદવારોએ તો ટિકિટ ન આપવાનો ઈશારો કરી દીધો છે. ભાજપ પાસે હાલમાં કુલ ૨૬માંથી ૬ મહિલા સાંસદો છે. લોકસભા ચૂંટણીમાં ભાજપ ૬થી ૭ જેટલી મહિલા ઉમેદવારોને ફરી ટિકિટ આપી શકે છે. ઉપરાંત વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીની વાત કરીએ તો ભાજપે ગુજરાતમાં માત્ર ૩ મહિલા ઉમેદવારોને ટિકિટ આપી હતી, જ્યારે ૨૦૧૯માં ૬ને ટિકિટ આપી હતી. આગામી સમય જ બતાવશે કે લોકસભાની સીટમાં મહિલાઓને કેટલું પ્રાધાન્ય મળે છે. ભાજપ યુવા બ્રિગેડને આગળ વધારવાની વાત કરે છે અને યુવાઓને તક આપવાની વાત છે ત્યારે ગુજરાત ભાજપમાં હાલના યુવા સાંસદોની વાત કરીએ તો પક્ષ જાેડે ફક્ત ૩ જ ચહેરા છે જેમાં, કચ્છ બેઠક પરથી વિનોદ ચાવડા (૪૪ વર્ષ), જામનગર બેઠક પરથી પૂનમ માડમ (૪૯ વર્ષ) અને જૂનાગઢ બેઠક પરથી રાજેશ ચૂડાસમા (૪૧ વર્ષ) છે. અમિત શાહની ઉંમર પણ ૬૦ વર્ષની થઈ છે.
સી આર પાટીલ પણ ૬૮ વર્ષના છે. ગુજરાત ભાજપ પાસે ૫૦થી ૭૦ વર્ષની ઉંમર ધરાવતા ૧૭થી વધુ સાંસદો છે, જેમાં ૪ મહિલા સાંસદોનો પણ સમાવેશ થાય છે. આમ લોકસભાના ૨૩ સાંસદો ૫૦ પ્લસના છે. આમ લોકસભામાં ભાજપ જૂના જાેગીઓનો સહારો લેશે. ભાજપ ૭૦ ઉંમરના નેતાઓને ફરી રિપિટ ના કરે તો ગુજરાતના ૬ સાંસદોની ટિકીટ કપાઈ શકે છે. જેમાં બનાસકાંઠા બેઠક પરથી પરબત પટેલ, મહેસાણા બેઠક પરથી શારદાબેન પટેલ જેઓ પોતે જ ચૂંટણી લડવાની ના પાડી ચૂક્યા છે, વલસાડ બેઠક પરથી ડો. કે.સી.પટેલ, અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી કિરીટ સોલંકી, રાજકોટ બેઠક પરથી મોહન કુંડારિયા, સાબરકાંઠા બેઠક પરથી દિપસિંહ રાઠોડને ફરીવાર ટિકિટ મળવી મુશ્કેલ દેખાઈ રહી છે. ગુજરાતમાં ૨૦થી વધારે સાંસદોની ટિકિટ કપાવવાની સંભાવનાને પગલે તમે નીચે લિસ્ટ જાેઈને જ નક્કી કરી શકો છો કે આ સાંસદો ફરી રિપિટ થાય તેવી કોઈ સંભાવના નથી. ભાજપે ગુજરાતમાં આ લોકસભામાં ૫ લાખની લીડથી જીતવાનો ટાર્ગેટ મૂક્યો હોવાથી ઘણા નેતાઓ તો બારોબાર કપાઈ જશે.