રાજકોટમાં ત્રિદિવસીય રાજ્યકક્ષાની જવાહરલાલ નહેરુ સબ જુનિયર હોકી સ્પર્ધા.
રાજકોટ શહેર તા.૧૮/૯/૨૦૨૪ ના રોજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજિત જિલ્લા રમત-ગમત અધિકારી, રાજકોટ સંચાલિત તથા હોકી રાજકોટના સંયુક્ત ઉપક્રમે રાજકોટના રેસકોર્ષ સ્થિત મેજર ધ્યાનચંદ હોકી એસ્ટ્રોટર્ફ ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાની જવાહરલાલ નહેરુ સબ જુનિયર હોકી સ્પર્ધાનો ગત રોજ પ્રારંભ થયો છે. ત્રણ દિવસ ચાલનારી ઇન્ટર ડીસ્ટ્રીકટ સ્પર્ધામાં રાજયભરના ૨૫ જિલ્લાઓની શાળાઓની ટીમો ભાગ લઈ રહી છે. જેમાં ૪૦૦ થી વધુ કિશોર ભાગ લઈ રહ્યા હોવાનું સ્પર્ધાના કન્વીનર અને રાજકોટ હોકી કોચ મહેશ દિવેચાએ જણાવ્યું છે. સમગ્ર રાજ્યમાંથી જિલ્લા શાળાકીય સ્પર્ધામાં વિજેતા ટીમો વચ્ચે રાજકોટ ખાતે રાજ્ય કક્ષાનો મુકાબલો થવા જઈ રહ્યો છે. જેમાં આજે ક્વાર્ટર ફાઈનલ તેમજ સેમી ફાઈનલ મેચ રમવામાં આવી રહી છે. આવતીકાલ તા.૧૯ સપ્ટેમ્બરના રોજ ફાઈનલ મેચ રમવામાં આવશે. જેમાં વિજેતા ટીમ નેશનલ લેવલે દિલ્હી ખાતે ભાગ લેશે. આ સ્પર્ધા પૂર્ણ થયા બાદ આગામી તા.૨૦ સપ્ટેમ્બર થી અંડર-૧૭ મહિલા હોકી સ્પર્ધા યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, તમામ ખેલાડીઓને સ્પોર્ટ્સ હોસ્ટલ ખાતે ઉતારો આપવામાં આવ્યો છે. અહીં તેઓને ભોજન તેમજ અન્ય જરૂરી સુવિધાઓ રમતગમત વિભાગ દ્વારા કરવામાં આવેલી છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.





