વડોદરા કલાનગરી તરીકેની આગવી ઓળખ ધરાવે છે. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સર્કલો બનાવવામાં આવે છે અને આ સર્કલો ઉપર આર્ટીસ્ટો, સ્વૈચ્છિક-ધાર્મિક સંસ્થાઓ અને કંપનીઓ દ્વારા શહેરમાં શોભે તેવા સ્ટેચ્યુ અથવા સ્કલ્પચર મૂકવામાં આવે છે.

ત્યારે વર્ષોથી ખીસકોલી સર્કલ તરીકે જાણીતા શહેરના વડસર બ્રિજ પાસે માત્ર 100 ફૂટના અંતરમાં એક પછી એક ત્રણ ખિસકોલીના મૂકી દેવામાં આવેલા સ્ટેચ્યુ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. તે સાથે પાલિકાના સત્તાધીશોના અણઘડ વહીવટની પણ લોકો ટીકા કરી રહ્યા છે.
શહેરના એવા અનેક વિસ્તારો છે જે આજે સર્કલો સ્ટેચ્યુ આધારીત નામથી ઓળખાય છે. જેમ કે, ગેંડા સર્કલ, એલ એન્ડ ટી સર્કલ, ગાય સર્કલ જેવા સર્કલોનો સમાવેશ થાય છે.
તો વડોદરા શહેરમાં એવા પણ સર્કલો છે. જેના ઉપર અશોભનીય સ્કલ્પચરો અને સ્ટેચ્યુ મૂકી દેવામાં આવતા વડોદરાની શોભા બગડી રહી છે.

વડોદરા શહેરના આર્ટિસ્ટ અજયભાઈ દ્વારા મગર નગરી તરીકે જાણીતા વડોદરાના હરણી સ્કલ્પચર પાર્કમાં ઓટો પાર્ટ્સમાંથી બનાવવામાં આવેલ 13 ફૂટ મગરનું સ્કલ્પચર મૂકવામાં આવ્યું છે. આવનાર દિવસોમાં આ મગરનું સ્કલ્પચર વડોદરાના કોઈ ચાર રસ્તા ઉપરના સર્કલ ઉપર ગોઠવાય તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી.

