Gujarat

ગાજવીજ સાથે નડિયાદમાં એક ઇંચ વરસાદ ગરનાળા અને નીચા વિસ્તારમાં પાણી ભરાયા

નડિયાદ શહેરમાં સોમવારે બપોરે ભારે વરસાદી ઝાપટાં બાદ ઠેરઠેર પાણી ભરાઇ જતાં રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા. જોકે, પાણીનો નિકાલ વહેલી તકે થાય તે માટે પાલિકાના કર્મચારીઓ ઠેરઠેર લાકડી અને સળિયા લઇને કચરો સાફ કરીને નિકાલનો માર્ગ મોકળો કરતાં જોવા મળ્યા હતા. નડિયાદ શહેરમાં વિરામ બાદ સોમવારે મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા. ભારે વરસાદી ઝાપટાંને પગલે ગણતરીની મિનીટોમાં જ શહેરના ગરનાળા અને નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ જતાં રાહદારીઓ અને વાહનચાલકો અટવાઇ પડ્યા હતા.

જોકે, સોમવારે પાલિકાના કર્મચારીઓ ટ્રેક્ટરમાં બેસીને અલગ અલગ વિસ્તારોમાં જ્યાં પાણી ભરાયા હતા ત્યાં પહોંચી પાણીનો નિકાલ કરવા માટેના પ્રયાસ કરતાં જોવા મળ્યા હતા. પાલિકાના કર્મચારીઓએ પાણીના નિકાલની લાઇનમાં લાકડી અને પાઇપથી એકઠો થયેલો કચરો હટાવીને પાણીના અવરોધને દૂર કર્યો હતો.

વરસાદ બંધ થયા બાદ સૌથી પહેલાં શ્રેયસ ગરનાળામાંથી અવરજવર શરૂ થતાં ચાલકોએ રાહત અનુભવી હતી. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ખાડાઓને કારણે લોકો પરેશાન થઇ ગયા નડિયાદ શહેરમાં હાલમાં પાલિકા ઉપરાંત કેટલીક ખાનગી એજન્સીઓ દ્વારા એક યા બીજા કારણોસર ખાડા ખોદવામાં આવ્યા છે. જેને કારણે વરસાદમાં રાહદારીઓ અને વાહનચાલકોને અવરજવરમાં ભારે હાલાકી વેઠવી પડી હતી.

ખાસ કરીને રાહદારીઓને પાણી ભરાતા ખાડાની ચિંતા સતાવતી જોવા મળી હતી. જોકે, અનેક ઠેકાણે લોકો લાકડી લઇને પસાર થતાં પણ જોવા મળ્યા હતા. આખરે નડિયાદ એસટી ડેપોમાં ખાડા પુર્યા છેલ્લા લાંબા સમયથી બસ મથકના બિસ્માર માર્ગને લઇને મુસાફરો અને એસટી બસના ચાલકો પરેશાન થઇ રહ્યા છે. રૂ. 50 લાખ મંજુર થયા બાદ પણ બસ મથકના માર્ગની મરામત કરવામાં આવતી નથી. ત્યારે સોમવારે વરસાદ થયા બાદ તંત્ર દ્વાર જેસીબીની મદદથી ખાડા પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.