મહિલા અને બાળ અધિકારીની કચેરી,બનાસકાંઠા હેઠળ ‘મહિલા સ્વાવલંબન યોજના થકી મહિલાઓને તેમના કૌશલ્યના આધારે સ્વરોજગારી મળી રહે તે માટે બેન્ક લોન સહાય આપવામાં આવે છે.
જે અંતગર્ત બ્યુટી પાર્લર, દરજીકામ, અગરબતી, તમામ પ્રકારના મસાલા, ભરતગૂંથણ, મોતીકામ, દૂધની બનાવટ સહિત 307 જેટલા વ્યવસાયો માટે આ લોન આપવામાં આવે છે. મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સરકારશ્રી તરફથી રૂ.2 લાખ સુધીની લોનની જોગવાઈ કરવામાં આવી છે.
આ યોજનાનો લાભ 18 થી 65 વર્ષ સુધી વયની રાજ્યની કોઈ પણ મહિલાને મળવા પાત્ર છે. સબસીડીનું ધોરણ કેટેગરી મુજબ જનરલ કેટેગરી માટે ઓછામાં ઓછું પ્રોજેક્ટ કોસ્ટના 30% અથવા મહત્તમ રૂ.60,000 બંને માંથી જે ઓછું હોય તે અને અનુસૂચિત જન જાતી તથા અનુસૂચિત જાતિ માટે 35% અથવા મહત્તમ રૂ.70,000 બંનેમાંથી જે ઓછું હોય તે તથા વિધવા મહિલા અને 40%થી વધુ વિકલાંગતા ધરાવતી મહિલાઓને વધુમાં વધુ પ્રોજેક્ટ કોસ્ટના ૪૦% અથવા મહતમ રૂ.80,000 બંને માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવે છે.
આ યોજના અંતર્ગત જિલ્લાની બહેનો લાભ લેવા માંગતી હોય તો નિયત નમૂનાના અરજી ફોર્મ સાથે બે નકલમાં ડોક્યુમેન્ટ જોડી જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી,જોરાવર પેલેસ જિલ્લા સેવા સદન-2 ,ત્રિજો માળ, પાલનપુર ખાતે મોકલવા જિલ્લા મહિલા અને બાળ અધિકારી જણાવ્યું હતું.