રાજકોટમાં આગામી 7 જુલાઈનાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ આ રથયાત્રાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે (22 જૂન) બપોર બાદ કળશયાત્રા યોજાનાર છે, જેમાં 108 કળશધારી બાળા જોડાશે.
જુદા-જુદા 108 પ્રકારના જળ વડે ભગવાનને કેસર-ચંદનથી સ્નાન કરાવાશે. 22 કિલોમીટરની રથયાત્રામાં ખાસ ફ્લોટ્સની સાથે સનાતની બુલડોઝર પણ રાખવામાં આવ્યું છે. આ સનાતની બુલડોઝર લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે.

108 કળશધારી બાળાઓ સાથેની કળશયાત્રા
કૈલાસધામ આશ્રમના મહંત ત્યાગી મનમોહનદાસજીનાં જણાવ્યા મુજબ, આગામી 7 જુલાઈના વાજતે-ગાજતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. જેમાં સંતો અને મહંતોની સાથે વિવિધ રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ પણ જોડાશે. આ પૂર્વે જગન્નાથ મંદિરે વૈદિક પરંપરા મુજબ આજે ભવ્ય જળયાત્રાનું અયોજન કરાયું છે. જેમાં 108 કળશધારી બાળાઓ વાજતે-ગાજતે નાનામવા ગામના કુવે પાણી ભવા જશે. જે પાણી અને કેસર-ચંદનથી મંદિર પટાંગણમાં ભગવાન જગન્નાથજીને સ્નાન કરવામાં આવશે. આ જળયાત્રામાં પોલીસ કમિશનર તેમજ બાળાઓ, બહેનો અને સાધુ-સંતો તેમજ ભક્તજનો જોડાશે. દૂધ, કેસર અને 108 ઘડા જળથી ભગવાનને સ્નાન કરાવ્યા બાદ નીજ મંદિરમાં પરત લાવવામાં આવશે.

