Gujarat

જલંધર (ગીર) મુકામે રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સમાજ આયોજિત ત્રિવિઘ કાર્યક્રમો યોજાશે.

જલંધર (ગીર) મુકામે રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સમાજ આયોજિત ત્રિવિઘ કાર્યક્રમો યોજાશે.

માળીયા (હાટીના) તાલુકાના જલંધર (ગીર) મુકામે આગામી તા. ૨૫ મે ૨૦૨૪ ના રોજ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સમાજ આયોજિત પંચકુંડી યજ્ઞ, જ્ઞાતિ સમાજ વાડીનું ખાતમુહૂર્ત, તેમજ આમંત્રિતોના સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
સૌ પ્રથમ સવારના સુમારે યજ્ઞ મંડપમાં ભૂદેવોના વેદોક્ત મંત્રોચ્ચાર સાથે યજ્ઞ નારાયણના મુખ્ય મનોરથી દ્વારા આહુતિઓ આપવામાં આવશે. યજ્ઞ નારાયણના દર્શનનો લાભ લેવા સમસ્ત ગ્રામજનો તથા જ્ઞાતિજનોને આયોજક સમિતિ દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.
ધોમધખતા તાપમાન વચ્ચે બપોરના બે વાગ્યાના સમયે સંત શિરોમણી, અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ, પંચઅગ્નિ અખાડાના સભાપતિ, બ્રહ્માનંદ વિદ્યાલય ચાપરડાના શિલ્પી એવા ક્રાંતિકારી સંત પૂ.મુક્તાનંદબાપુના આગમન સમયે ઢોલ નગારાના નાદ સાથે વાજતે- ગાજતે સામૈયા કરી કળશધારી કુમારીકાઓ પૂ.બાપુને કુમકુમ તિલક કરી આવકારશે. બાદ જ્ઞાતિ વંડીના ખાતમુહૂર્ત માટે પૂ.બાપુ સ્થળ ઉપર પધારી વેદોક્ત પૂજા, વિધિ સાથે ભૂમિ પૂજન કરી કાર્યને વેગવંતુ બનાવવા આશીર્વાદ પાઠવશે.
આ ત્રિવિધ પ્રસંગે દૂરથી સંતો, મહંતો, રાજકીય મહાનુભવો, જ્ઞાતિ અગ્રણીઓ, દાતાશ્રીઓ, પત્રકારશ્રીઓ, આમંત્રિત મહેમાનો, પધારી શોભામાં અભિવૃદ્ધિ કરશે. આ તકે જલંધર જ્ઞાતિ સેવા સમાજના પ્રમુખ શ્રીમહેશભાઈ મહેતા તથા મંત્રી શ્રીરજનીકાંતભાઈ ભરાડ તથા તેમની ટીમ ઉપસ્થિત મહાનુભવોના સ્વાગત કરશે.
બાદ કાર્યક્રમના અધ્યક્ષ પૂ.મુક્તાનંદબાપુ જ્ઞાતિ સમુદાય તથા ગ્રામ્યજનોને આશીર્વચન પાઠવશે. આ ભગીરથ કાર્યમાં જેમનો આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે તે તમામનો આયોજક સમિતિ આભાર વ્યક્ત કરે છે. ત્યારબાદ સંધ્યા સમયે ભોજન પ્રસાદ ગ્રહણ કરી રાત્રી સેશનમાં કાનગોપીના કાર્યક્રમમાં કૃષ્ણ લીલા રાસ રજૂ કરી ભાયાવદરના કલાકારો કલા પીરસશે. આ પ્રસંગ દરમિયાન એકત્રિત થશે તે ભંડોળ જ્ઞાતિ સમાજના વિકાસ કાર્યમાં ઉપયોગ કરવામાં આવશે તેમ કથાકાર કમ કલાકાર શ્રી મણીભાઈ મહેતાની અખબાર યાદી જણાવે છે.

રિપોર્ટ સી.વી જોશી વિસાવદર