ખેડા જિલ્લામાં અકસ્માતના બનાવો અટકવાના નામ નથી લઈ રહ્યા, ગતરોજ રાત્રે નડિયાદના અરેરા. નજીકથી પસાર થતા હાઈવે પર અકસ્માત સર્જાયો છે. જેમાં કેમિકલ ભરેલ ટેન્કર પાછળ ટ્રક અથડાતાં ટ્રક ચાલકનું મોત નિપજ્યું છે. જ્યારે ક્લિનરને ઈજાઓ પહોંચી છે. કેમિકલ ભરેલ ટેન્કર લીક થતાં ભારે અફડાતફડી મચી ગઇ હતી. જોકે ફાયર બ્રિગેડે પાણીનો છંટકાવ કરી સ્થિતિને કાબુમાં લીધી હતી.

નડિયાદ પાસેના અરેરા ગામની સીમમાં અમદાવાદ-વડોદરાને જોડતો એક્સપ્રેસ હાઇવે પસાર થાય છે. આ હાઈવે પર વડોદરાથી અમદાવાદ તરફના લેન પર ગતમોડી રાતે કેમિકલ ભરેલ ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. કેમિકલ ભરેલ ટેન્કર પાછળ ટ્રક અથડાતા ટ્રકની આગળની કેબીનનો લોચો વળી ગયો હતો. જ્યારે ટ્રકની કેબીનમા ડ્રાઈવર કન્ડંકટર ફસાયા હતા. જોકે ડ્રાઈવરે દમ તોડી દેતાં તેઓનું મૃત્યુ નિપજયું હતું. બીજી તરફ કેમિકલ ભરેલ ટેન્કર લીક થતા હાઈવે પર અફડાતફડી મચી ગઇ હતી. જોકે ઘટનાની જાણ નડિયાદ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયરની ટીમ દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો અને સ્થિતિને કાબુમા લીધી હતી. આ ઉપરાંત ટ્રકની કેબીનમા ફસાયેલા કિલનરને જીવીત બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યારે ડ્રાઈવરનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. આ બનાવ મામલે નડિયાદ ગ્રામ્ય પોલીસ પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ટ્રકના કેબીનમાં ફસાયેલ ડ્રાઇવર અને ટ્રકના ક્લીનરને કટર મદદ થી ટ્રકના કેબીનનું પતરું કાપી બહાર કાઢવામાં આવ્યા છે. અકસ્માતના પગલે લગભગ એક કલાક સુધી નડિયાદથી અમદાવાદ તરફ જતા વાહન વ્યવહારને બંધ કરવામાં આવ્યો હતો. કેમિકલ ભરેલ ટેન્કર લીક થતા ટીમ દ્વારા તાત્કાલિક કેમિકલને ડાયલ્યુટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ મેઈન લેન બાજુથી વાહનવ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો.

મહત્વનુ છે કે, આ અકસ્માત સ્થળેથી પાછળ 400 મીટર અન્ય વાહનનેને ઓવરટેકની લાહ્યમાં અકસ્માત સર્જાયો હતો જેના પગલે ટ્રાફિક જામ થતાં આ અકસ્માત સર્જાયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતની વણથંભી રફ્તારમા એક રાતે 3 લોકોને ઈજા પહોંચી છે જ્યારે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.
