Gujarat

બેહ ગામના પાટીયા પાસે માટી, મોરમનું અનઅધિકૃત ખનન પકડાયું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ગેરકાયદે ખનિજ ખનન પર તંત્ર દ્વારા અવિરત ઘોંસ બોલાવાઇ છે.ખંભાળીયા કલ્યાણપુર તાલુકામાં ખનીજ ચોરીએ સામાન્ય બાબત બની ગઈ હોય, ગમે ત્યાં રેતી, પથ્થર, બોક્સાઇટ તથા મોરમ માટીનુ ખનન-ખનીજ ચોરી થતી હોય આ દુષણ અંગે તંત્રએ લાલ આંખ કરતા તાજેતરમાં ખંભાળીયા મામલતદાર વિક્રમ વરૂએ કંડોરણા ગામ પાસે તથા એલસીબી પોલીસ દ્વારા હાઇવે પરથી બોક્સાઇટ ચોરી તથા મોરમ ખનીજ ચોરી પકડી પાડી હતી.

જે દરમિયાન સોમવારે ખંભાળીયા તાલુકાના બેહ ગામના પાટિયા પાસે ગેરકાયદે મોરમ માટીનું તથા અન્ય ખનીજનું ખોદકામ કરતા તથા પાસ પરમીટ મંજુરી વગર મોટે પાયે ખોદકામ કરતા શખ્સોને ખંભાળીયા પ્રાંત અધિકારી કે.કે.કરમટા તથા સ્ટાફ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા.આ મામલે ખાણ ખનિજ વિભાગને રીપોર્ટ કરાયો હોવાનુ સામે આવ્યુ છે.

60 લાખના સાધનો સહિતનો મુદ્દામાલ કબજે ખંભાળીયા ડે. કલેકટર કરમટા દ્વારા એક હિટાચી મશીન તથા પાંચ ટ્રક ડમ્પરો જેની કિંમત રૂ.60 લાખ જેટલી થાય છે તે ઉપરાંત સ્થળ પરથી ખોદી કઢાયેલુ ખનીજ પકડીને વાહનો પોલીસ સ્ટેશને જમા કરાવીને ખાણ ખનીજ તંત્રને રિપોર્ટ કરાયો છે. જેથી સ્થળપર રોજકામ કરીને ખનીજ ચોરી અંગે કાર્યવાહી થઈ શકે.