Gujarat

હોલસેલમાં કિલોદીઠ રૂ.22થી 60 સુધીમાં મળતાં શાકભાજી સેટેલાઈટ જેવા પોશ વિસ્તારમાં રૂ.80થી 125માં વેચાય છે

થોડા સમય પહેલાં ગુજરાત અન્ય રાજ્યમાં ભારે વરસાદના કારણે શાકભાજીની આવક ઘટતાં ભાવમાં વધારો થયો હતો. જેથી છૂટક બજારમાં લીલા શાકભાજીનો ભાવ પ્રતિ કિલો રૂ.100એ પહોંચી ગયો હતો. હાલમાં શાકભાજીની આવક વધવાથી હોલસેલ બજારમાં ભાવમાં ઘટાડો થયો છે.

જો કે શહેરના પોશ વિસ્તારમાં છૂટક ફેરિયાઓ વધુ નફો કમાવવાની લાલચમાં ભાવ ઘટાડાનો લાભ ગૃહિણીઓને આપતા નથી. હોલસેલમાં અત્યારે કિલોદીઠ રૂ.22થી 60 સુધીમાં મળતા શાકભાજી સેટેલાઈટમાં રૂ.80થી 1250માં વેચાય છે. રાજ્યમાં પડેલા વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાઇ જતા ખેડૂતો શાકભાજી લઇ શકયા ન હોતા.

જેના કારણે લીલાં શાકભાજીની આવક શહેરના એપીએમસી શાક માર્કેટમાં ઘટતા ભાવમાં વધારો થયો હતો. હોલસેલ બજારમાં ભાવ વધતા છૂટક બજારોમાં શાકના ભાવમાં વધારો થયો હતો. છેલ્લા કેટલાય સમયથી વરસાદ નહીં હોવાથી શાકભાજીની આવક યથાવત્ થવાથી ભાવ ઘટી ગયા છે.

શહેરના મોટા ભાગના વિસ્તારોમાં લીલાં શાકભાજી પ્રતિકિલો રૂ. 60થી અંદર વેચાણ થઇ રહ્યાં છે. જ્યારે સેટલાઇટ, વસ્ત્રાપુર, બોડકદેવ, સિંધુભવન રોડ, બોપલ, સાઉથ બોપલ, ઘુમા, શેલા જેવા પોશ વિસ્તારોમાં લીલાં શાકભાજીના ભાવ પ્રતિ કિલો રૂ. 125થી વધારે વસૂલવામાં આવી રહ્યાં છે. પોશ વિસ્તારમાં રહેતા લોકોની ફરિયાદ છે કે, છૂટક વેપારીઓ ઉપર કોઇ અંકુશ ન હોવાથી તેઓ મનફાવે તેવા ભાવ લઈ રહ્યા છે.