Gujarat

વગડામાં વિચારતા વન્ય પ્રાણીઓ માટે વાગડમાં જળ મંદિર ઉભા કરાયા, સ્વૈચ્છિક સંસ્થાએ અભિયાન હાથ ધર્યું

વાગડ વિસ્તારના રાપર તાલુકામાં વન વગડામાં વિચરતા વન્ય પ્રાણીઓ અને પશુ પક્ષીઓ માટે પીવાના પાણીની સુવિધા મળી રહે તે માટેના પ્રયાસો સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.

કાળઝાળ ગરમીમાં પશુઓને પાણી મળી રહે તે માટે કચ્છ જલમંદિર અભિયાન કાર્યક્રમ અંતર્ગત રાપર તાલુકાના દેશલપર આસપાસના ડુંગરાળ તથા વન વિસ્તારમાં ખાસ પ્રકારના પાણીના હોજ બનાવવામાં આવ્યા છે.

રાપર વિસ્તારના વન વગડામાં વિચરતા વન્ય જીવો, પક્ષીઓ અને અબોલ જીવોને કપરા ઉનાળામા પીવાનું પાણી મળી રહે તે માટે સંસ્થાએ ખાડા કરી તેમાં પ્લાસ્ટિક પાથરી નર્મદાનું મીઠાં પાણી ટેન્કર મારફતે ભરવામાં આવે છે.

આ કાર્યમાં ગ્રામ સ્વરાજ સંઘના ધર્મેન્દ્ર પટેલ, કચ્છ જલમંદિર અભિયાનના જયેશ લાલકા, કુલદીપ ભાવસાર તેમજ મહાદેવાભાઈ કોલીના સમગ્ર પરિવાર જહેમત ઉઠાવી રહ્યા છે. કચ્છ જલમંદિર અભિયાન કાર્યક્રમ અંતર્ગત આ વર્ષે કચ્છમા 70 થી વધુ તળાવોનું સમારકામ લોકભાગીદારી અને દાતાઓના સહયોગથી પૂર્ણ કરવા કમર કસી રહ્યા છે.