Gujarat

અંજારમાં બે કર્મચારીઓ 40 લાખ રોકડ ભરેલી બેગ ગાડીમાં મુકવા જતા લૂંટાયા; લૂંટારુઓ છરી બતાવી રોકડ રકમ ભરેલી બેગ લઈ છુમંતર

અંજારમાં એસટી બસ સ્ટેન્ડ નજીક મહાવીર ડેવલોપર્સની ઑફિસ નીચે ચાર અજાણ્યા શખ્સોએ બે કર્મચારીને છરી બતાડી અંદાજે 40 લાખ રોકડાં રૂપિયા ભરેલી બેગ લૂંટી નાસી જતાં ચકચાર મચી ગઈ હતી. જે સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થતા પોલીસે CCTV આધારે તપાસ હાથ ધરી આરોપીઓને શોધી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

રાત્રિના અરસામાં લૂંટનો બનાવ બન્યો હતો. પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને નાયબ પોલીસ અધીક્ષક મુકેશ ચૌધરીએ ઘટનાને સમર્થન આપી આરોપીઓને ઝડપી લેવા પોલીસ ટીમોએ સર્વત્ર તપાસ હાથ ધરી હોવાનું જણાવ્યું હતું.

પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે જણાવ્યું કે, મહાવીર ડેવલોપર્સ નામની પેઢીના બે કર્મચારીઓ કચેરી બંધ કરીને રોકડ રકમ, દસ્તાવેજો ભરેલી ત્રણેક બેગ લઈને ઓફિસ નીચે શેઠની ગાડીમાં મૂકવા જતાં હતા. ત્યારે પાંચેક બુકાનીધારી શખ્સો છરી લઈને ધસી આવ્યાં હતાં.

લૂંટારાઓ બેઉ સાથે ગાળાગાળી અને મારકૂટ કરી રોકડ ભરેલી બેગ લૂંટીને બે બાઈક પર નાસી છૂટ્યાં હતાં. કોઈને છરીથી ઈજા થઈ નથી. બનાવ અંગે પોલીસે નાસી છૂટેલાં લૂંટારાઓની ચોમેર શોધખોળ શરૂ કરી છે.