મોરબી નજીક આવેલ મચ્છુ ડેમ-3નો દરવાજો એક ફૂટ ખોલાતાં આ ડેમનું પાણી મચ્છુ નદી થઈ માળિયા પંથકના રણ કાંઠાના વિસ્તારોને ધમરોળી નાખ્યા હતા. આ મચ્છુ ડેમના દરવાજાને રિપેરીંગ માટે ખોલાતા માળિયાના હરીપર અને ગુલાબડી વિસ્તારમાં આવેલા મીઠાના રણ કાંઠામાં આકરા સૂર્ય તાપમાં આગરિયાઓએ કાળી મજૂરી અને મીઠાના મોટા પ્રમાણમાં અગરો બનાવેલા હોય પણ આ તમામ મીઠાના અગરો તૈયાર થઈ ગયા હોય ત્યારે ડેમના પાણીએ મીઠું સંપૂર્ણપણે ધોઈ નાખતા આગરિયાઓને મોઢે આવેલો કોળિયો છીનવાયો છે.હજારો હેક્ટર વિસ્તારમાં ફસાયેલ મીઠાના અગરમાં પાણી ફરી વળ્યા હોઇ અગરિયાઓના મોં પર ચિંતા છવાઇ છે.
મોરબી નજીક સાદુંળકા ગામ પાસે આવેલ મચ્છુ ડેમ 3 નો એક દરવાજો એક ફૂટ ખોલતા આ ડેમનું બધું જ પાણી મચ્છુ નદીમાંથી થઈને માળીયા તાલુકાના હરીપર, આંકડીયા, ગુલાબડી રણ સહિતના રણકાંઠાના વિસ્તારો ફરી વળ્યું હતું.
આ રણ વિસ્તારોમાં 100 જેટલા નાના આગરિયાઓએ હાલ અત્યારે ઉનાળામાં મીઠું પકવવાની સિઝન હોવાથી રણ કાંઠામાં કાળઝાળ ગરમી વચ્ચે દરિયાના ખારા પાણીના મોટા પ્રમાણમાં મીઠાના અગરો બનાવ્યા હતા. જેથી સૂર્ય તાપને કારણે દરીયાનું ખારું પાણી મીઠું એટલે મોટા પ્રમાણમાં નમક થઈ ગયું હતું.
આ લાખોનું મીઠું તૈયાર હોવાથી અગરિયાઓમાં સારો નફો મળશે એ આશાથી એમના હૈયામાં હરખ સમાતો ન હતો. પણ કાળી મજૂરી કરીને મીઠું પકવીને બેઠેલા અગરિયાઓને સ્વપ્નેય ખ્યાલ ન હતો કે તેમનો હરખ ક્ષણભંગુર હતો અને હરખ જાણે મુસીબતમાં ફેરવાયો હોય એમ મચ્છુ ડેમનું પાણી એમના મીઠાના બનાવેલા અગરો ઉપર ત્રાટક્યું હતું અને 100 જેટલા મીઠાના અગરિયાઓનું તૈયાર થયેલું મીઠું ધોવાઈ ગયું હતું. જેથી મોટું નુકસાન થતા આગરિયાઓ મુશ્કેલીમાં મુકાય ગયા છે.
ગયા વર્ષે રાજ્યમાં ત્રાટકેલા બીપર જોય વાવાઝોડાના કારણે થયેલા કમોસમી વરસાદી સીઝનના કારણે તૈયાર મીઠું મોટા પાયે ધોવાઇ ગયું હતું, ગત વર્ષે લાખોના નુકસાન બાદ હવે ફરી આ વર્ષે નુકશાન થતા અગરિયાની હાલત અસહ્ય બન ગઈ છે.
ડેમનું પાણી છોડવાનું છે તેની જાણ અમને ૨૪ કલાક પહેલા જાણ કરવામાં આવી હતી, જો કે અગાઉ પાણી તો છોડતા જ હોય છે પરંતુ એ પહેલા અમને જાણ ન હતી અને મીઠાની ઉત્પાદન કામગીરી 2 મહિનાથી ચાલતી હોય છે હવે આ રીતે બે મહિના પહેલા પકવેલા મીઠાથી મોટા પાયે નુકસાન થયું છે.
ડેમમાં રહેલું પાણી તેમજ અગાઉથી નાંના મોટા ચેક ડેમ માં જે પાણી હતું તે તમામ પાણી અગર સુધીં પહોચી જતા માટીના પાળા ધોવાઇ ગયા સરકાર આર્થિક નુકસાન નું વળતર ચૂકવે તે જરૂરી તેમ અગરિયા હિત રક્ષક સમિતિ મારુતિ સિંહ બારૈયાએ જણાવ્યું હતું
મોરબીના દરિયા કાઠા વિસ્તારથી શરુ થતા મીઠાના અગર હજારો હેક્ટર વિસ્તારમાં પથરાયેલા છે. દરિયાની ભરતી ઓટની પ્રકિયા તેમજ કચ્છના અખાતમાં જમીનમાં પણ મીઠાનું ઉત્પાદન થઈ શકે તે પ્રકારનું પાણી નીકળતું હોવાથી વર્ષ દરમિયાન લાખો મેટ્રિક ટન મીઠું પાકે છે.
નવેમ્બરથી લઇ જુલાઈ સુધી મીઠું પકવવાની સીઝન ચાલતી હોય છે અને સામાન્ય રીતે હાલ જે વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે ત્યાં 110 એકરમાં 300 ટન મીઠું થવાનો અંદાજ છે અને આ પાણી આવવાથી 300 ટન મીઠાને નુકશાન થવાનો અંદાજ છે.