Gujarat

દ્વારકામાં ચૈત્ર માસમાં ઠેર ઠેર ધાર્મિકોત્સવ

હિન્દુ ધર્મમાં પવિત્ર ચૈત્ર માસનું સવિશેષ મહત્વ છે. ચૈત્ર માસનો પ્રારંભ માતાજીની નવરાત્રિથી થાય છે જેને ભકિતભાવપૂર્વક દેવભૂમિ દ્વારકાના શકિતસ્થાનોમાં ઉજવવામાં આવે છે.

આ સાથે ચૈત્ર માસમાં યાત્રાધામમાં રામનવમી મહોત્સવ, શ્રીકૃષ્ણ – રૂકિમણીજી વિવાહ, હનુમાનજયંતિ જેવા તહેવારોની પણ વિશેષ ઉજવણી કરવામાં આવે છે.

જયારે ચૈત્ર માસ એ પિતૃતર્પણ સહિતના ધાર્મિક કાર્યો માટે શ્રેષ્ઠ ગણાતો હોય આ ધાર્મિક માસમાં હાલ દ્વારકામાં વિવિધ સ્થળો – ભીડભંજન મહાદેવ પરિવારના મહિલા મંડળ, રિધ્ધિસિધ્ધિ સોસાયટી પરિવાર, સંકિર્તન મંદિર, સોમેશ્વર મહાદેવ મંદિર સહિતના સ્થળોએ શ્રીમદ ભાગવત સપ્તાહ યોજાઇ છે તો અનેક દેવાલયોમાં વિષ્ણુસહસ્ત્રનામના પાઠ, ધાર્મિક યજ્ઞો તથા ભંડારા સહિતના ધાર્મિક સેવાકાર્યો તેમજ ભજન કીર્તન અને પૂજાથી પવિત્ર ચૈત્ર માસમાં પુણ્યનું ભાથું બાંધવામાં આવી રહયુ છે.

સમગ્ર યાત્રાધામમાં સર્વત્ર ધર્મમય માહોલ જોવા મળી રહયો છે. જયારે દુર દુરથી યાત્રાધામના આંગણે આવતા ભાવિકો પણ પવિત્ર વાતાવરણમાં આધ્યાત્મિકતા સાથે ધાર્મિકતાનો અહેસાસ કરી રહયા છે.