Gujarat

સાવરકુંડલા શહેરમાં -સિનિયર સિટીઝનો માટે સિટીઝન પાર્ક કયાં

સાવરકુંડલામાં પણ પૂરતાં પ્રમાણમાં સિનિયર સિટીઝન પાર્કની આવશ્યકતા છે. આ સંદર્ભે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરી વોર્ડ વાઇઝ સિનિયર સિટીઝન પાર્કનું નિર્માણ કરવું જોઈએ એવી સાવરકુંડલાના સિનિયર સિટીઝન સંગઠનના પ્રવકતા બિપીનભાઈ પાંધી દ્વારા જાહેર માંગ કરવામાં આવી
સાવરકુંડલા શહેરમાં સિનિયર સિટીઝનો માટે સિટીઝન પાર્ક કેટલા..? ગામતળની ભાષામાં કહીએ તો જેને ગામનો ચોરો કહે તેવા પણ શહેરના વયોવૃદ્ધ નાગરિકો માટે બેસવા હરવા ફરવાના જાહેર સ્થળો ક્યાંય છે ખરાં? હા, કોઈ મંદિરના ઓટલે? કદાચ વયોવૃદ્ધ લોકો ઈશ્વરનું સ્મરણ કરતાં બેઠા હોય છે. પરંતુ મુક્તરીતે રીતે નિરાંતની પળોમાં વ્યસ્ત થવા માટે જુવાનિયાની ભીડ વચ્ચે વયોવૃદ્ધોને અકળામણ થતી હોય એ પણ નિશ્ચિત છે.
ઘરમાં પણ લાંબો સમય વિતાવવો વયોવૃદ્ધ નાગરિકો માટે કપરો હોય છે. સાવરકુંડલા શહેરમાં એક લટાર લગાવતાં એ તો સ્પષ્ટ જાણવા મળ્યું કે આવા સિનિયર સિટીઝનો માટે સિટીઝન પાર્કનો અભાવ જોવા મળે છે.
લગભગ સાંઈઠ વર્ષ સુધી નોકરી, મજૂરી, વેપાર કે અન્ય વ્યવસાયો કરીને સરકારને પણ યથાયોગ્ય પરોક્ષ અને પ્રત્યક્ષ વેરા ભરીને દેશના વિકાસ માટે જેનું મોટું યોગદાન હોય છે તંત્ર તેવા વયોવૃદ્ધ નાગરિકોની સુખાકારીની સગવડો માટે ઊણું
ઊતરતું જોવા મળે છે. ચૂંટણી સમયે ૮૦ પ્લસ ઉંમરના નાગરિકો માટે તંત્ર ઘરે ઘરે સર્વે કરી મતદાન મથક સુધી આવા નાગરિકોએ મતદાન કરવા ન જવું હોય તો બેલેટ પેપરથી મતદાન કરાવવા માટે ચૂંટણી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે.
આમ પણ સિનિયર સિટીઝનોની સંખ્યા પણ માતબર હોય છે એટલે એની પ્રાથમિક સુખ સુવિધા વિશે પણ સરકાર દ્વારા પૂરતાં પ્રમાણમાં પ્રયાસો કરવા જરૂરી છે. સાવરકુંડલા શહેરમાં આવેલ મોટાભાગની સોસાયટીમાં આવેલા જાહેર સાર્વજનિક પ્લોટોમાં મંદિરો તો જોવા મળે છે.
પરંતુ સિનિયર સિટીઝન પાર્ક માટે પણ તંત્ર દ્વારા ઠોસ આયોજન કરવામાં આવે તો સિનિયર સિટીઝનોએ જ્યાંત્યાં કોઈના ઓટા પર ન બેસવુ પડે. સાવરકુંડલા શહેરમાં વયોવૃદ્ધ લોકો માટે પૂરતા પ્રમાણમાં સિનિયર સિટીઝન પાર્ક બને તે ઈચ્છનીય છે. અને સમયની માંગ પણ છે. સાવરકુંડલા શહેરમાં પણ વોર્ડ વાઇઝ સિનિયર સિટીઝન પાર્કનું નિર્માણ કરવા અંગે સિનિયર સિટીઝન સંગઠન સાવરકુંડલાનાં પ્રવક્તા બિપીનભાઈ પાંધીએ જાહેર માંગ કરી.
બિપીન પાંધી સાવરકુંડલા