વડોદરા જિલ્લાના ગુગલીયાપુરામાં દેશી દારૂનો છૂટક વેપલો કરતો અક્ષય પરમાર દેશી દારૂનો જથ્થો લેવા અલવા ગામે ગયો હતો. ત્યાંથી તે પોતાની એકટીવામાં દેશી દારૂનો જથ્થો કોથળામાં ભરી પરત આવી રહ્યો હતો, ત્યારે પીપળીયા વાઘોડિયા રોડ વચ્ચે તંદુર હોટલ નજીક પુરપાટ ઝડપે એક્ટીવા હંકારતા ખાનગી યુનિવર્સિટીના પરપ્રાંતીય ત્રણ વિદ્યાર્થીઓની મેસ્ટ્રો બાઇક સાથે અકસ્માત સર્જયો હતો.
વિદ્યાર્થીઓને નાની મોટી ઇજા થઈ
ત્રણ પરપ્રાંતીય વિદ્યાર્થીઓને આ અકસ્માતમાં શરીરે નાની મોટી ઇજાઓ પહોંચી હતી. તો દેશી દારુની ખેપ મારતા ખેપીયાને પણ માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. રાહદારીઓએ 108 મારફતે ચારેયને પારુલ હોસ્પિટલમાં સારવારથી ખસેડ્યા હતા. લિમડા ગામ નજીક તંદુર હોટલ પાસે સર્જાયેલ અકસ્માતમાં એકટીવા અને મેટ્રોના ફુરચેફુર્ચા ઉડી ગયા હતા.
દેશી દારૂની પોટલીનો વીડિયો મોબાઇલમાં કેદ કર્યો
અકસ્માતના સ્થળે એકટીવામાંથી દેશી દારૂની કોથળીઓ તૂટતા રોડ પર દારુનો રેલો થયો હતો, જ્યારે કેટલીક પોટલીઓ વરસાદી કાસમાં જઈ પડી હતી. ઘટના સ્થળે રાહદારીઓના ટોળેટોળા એકત્ર થતાં દેશી દારૂની પોટલીનો વીડિયો પોતપોતાના મોબાઇલમાં કેદ કર્યો હતો.

