જામનગર શહેરના તબીબી વિભાગ અને હોસ્પિટલ વર્તુળોમાં ભારે ચકચારી બનેલા પટાવાળા દ્વારા લાંચની રકમ મૂકીને નાસી છૂટવાના ચકચારી બનાવમાં પટાવાળો જે ફાઈલના પૈસા માંગતો હતો તે ફાઈલ તેની પાસે પહોંચી કેવી રીતે? તેની તપાસમાં એસીબી લાગી છે.
જેમાં આ ફાઈલ મેડિકલ બોર્ડના કલાર્ક પાસે હોય તેની આકરી પૂછપરછ કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં મેડિસીન વિભાગના અમૂક ડોક્ટરોની સંડોણવી પણ સામે આવે તેવું સૂત્રો જણાવી રહ્યા છે.
જામનગર જી.જી. હોસ્પિટલના મેડિસીન વિભાગમાં પટાવાળા તરીકે કામ કરતા અશોક પરમારે મેડિકલ સર્ટીફિકેટ પાસ કરાવવા માટે અમરેલીના શિક્ષક પાસે 45 હજાર રૂપિયા નકકી કર્યા હતા જેમાંથી 20 હજાર લઈ લીધા હતા, બાકીના 25 હજાર માટે શિક્ષકે એસીબીનો સંપર્ક કરતા આ ટ્રેપની ગંધ આવી જતા અશોક પરમાર પૈસા મૂકીને નાસી છૂટ્યો હતો જેને પોલીસ શોધી રહી છે.
બીજી બાજુ અશોક પરમાર જે શિક્ષકની ફાઈલના પૈસા માંગતો હતો તે ફાઈલ તેની પાસે પહોંચી કેવી રીતે? તે બાબતે તપાસ કરવા એસીબી દ્વારા મેડિકલ બોર્ડના કલાર્ક રાજેશ ટંકારીયાની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
જેમાં જે કોઈ સ્પષ્ટ જવાબ આપી ન શક્યો હોવાનું અને ગલ્લાતલ્લા કરતો હોવાનું જાણવા મળ્યું છે. મેડિકલ બોર્ડની ફાઈલ પટાવાળા પાસે કેવી રીતે પહોંચી? અને તેની લાંચ મંગાઈ તે તપાસનો મુખ્ય વિષય છે.
હોસ્પિટલ વર્તુળોમાં ચર્ચા છે કે, પટાવાળાના આ કાંડમાં અમૂક ડોક્ટરોની પણ સંડોવણી છે. જે બહાર આવે તેમ છે. અશોક પરમાર પોલીસના હાથમાં આવ્યા બાદ તમામ બાબતો સ્પષ્ટ થઈ જશે અને આખુ મેડિકલ બોર્ડ જે સર્ટિફિકેટ ઈસ્યુ કરે છે તેમાં લાંચની રકમ કેવી રીતે લેવાતી હતી તે સ્પષ્ટ થશે.
અશોક પરમારને ચેમ્બર આપવા બાબતે મેડિસીનના વડા મૌન, પટાવાળો વહિવટી અધિકારી બન્યો કેવી રીતે ? અશોક પરમાર પટાવાળો હોવા છતાં અલાયદી એસી ચેમ્બરમાં બેસતો હતો. સૂત્રો જણાવે છે કે, આ ચેમ્બરમાં જ તે વહીવટ કરતો હતો. અહીં તેણે પોતાના નામની અશોક પરમાર વહીવટી અધિકારી તરીકેની નેમ પ્લેટ પણ બનાવી હતી.
જે એસીબીના હાથમાં આવી છે. એસીબીની ટ્રેપ પણ આ જ ચેમ્બરમાં થઈ હતી ત્યારે મેડિસીન વિભાગના વડા મનિષ મહેતાની ચેમ્બર સામે જ પોતાની ચેમ્બર ખોલી બેસેલા પટાવાળા ઉપર કોઈનો હાથ ન હોય અને તે આવી રીતે વહીવટ કરતો હોય તે શક્ય જ નથી, આની એસીબી સિવાય પણ ગાંધીનગર કે ઉચ્ચકક્ષાએથી તપાસ થાય તે અત્યંત જરૂરી છે.