સ્પાના બોર્ડ લગાવી તેના ઓથા હેટળ ચાલતું કુટણખાનાનું દૂષણ નાબુદ કરવા કેમ સક્ષમ પગલા નથી લેવાતા?
ભરૂચ જિલ્લામાં ભરૂચ,અંકલેશ્વર તેમજ દહેજ જેવા સ્થળોએ ઠેરઠેર સ્પાના બોર્ડ લગાવી તેના ઓથા હેઠળ દેહ વેપારનો ધંધો મોટાપાયે ચાલતો હોવાની બુમો વારંવાર ઉઠે છે,પરંતું પોલીસ દ્વારા કોઇવાર નામમાત્રની કાર્યવાહી કરવામાં આવતા આ દુષણ ડામવાનો કોઇ કાયમી ઉકેલ નથી મળતો. થોડા સમય અગાઉ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં એક સાથે ઘણાબધા સ્પા સેન્ટરોમાં છાપો મારીને સમાજમાં બદી રૂપ બનેલ સ્પા સેન્ટરોના સંચાલકોની ધરપકડ કરવામાં આવી હતી. જોકે ત્યારબાદ ફરીથી આ હીન પ્રવૃત્તિ બેરોકટોક ચાલું થઇ જતા જિલ્લાની પોલીસની કાર્યપદ્ધતિ પર સવાલો ઉભા થયા છે.
વધુમાં મળતી વિગતો મુજબ ભરૂચ જિલ્લામાં હાલ સ્પા સે્ટરોની સંખ્યામાં દિવસેદિવસે મોટો વધારો થઈ રહ્યો છે,જે સભ્ય સમાજ માટે એક કલંક ગણી શકાય. સ્પાના નામથી બોડી મસાજના બહાને શરીર સુખ આપવાની ધૃણાસ્પદ પ્રવૃત્તિ સ્પા સેન્ટરોમાં ચાલતી હોય છે. સ્પાની આડમાં દેહ વ્યાપારનો વ્યવસાય ચાલી રહ્યો હોવાથી યુવાનો ગેરમાર્ગે દોરાઈ રહ્યાં છે,જે બાબતને ગંભીરતાથી કેમ લેવાતી નથી? આ દુષણને ડામવા સામાજિક સંસ્થાઓ તેમજ મહિલા મંડળો કેમ કોઇ અસરકારક ભુમિકા નથી અપનાવતા? બહારથી યુવતીઓ લાવીને તેમની પાસે દેહ વ્યાપારનો ધંધો કરાવાતો હોય છે.
આ યુવતીઓમાં કેટલીક વિદેશી યુવતીઓ પણ હોય છે. જિલ્લામાં આવા કહેવાતા મસાજ પાર્લરોમાં યુવતીઓને પૈસાની લાલચ આપીને બોલાવાતી હોય છે,અને તેમને અમુક રકમ આપીને ગ્રાહકો પાસેથી મળતી મોટાભાગની રકમ મસાજ પાર્લરોના સંચાલકો તેમજ કેટલાક કહેવાતા દલાલો ખાઇ જતા હોવાની વ્યાપક લોકચર્ચાઓ પણ ઉઠવા પામી છે. ઉલ્લેખનીય છેકે ભરૂચ જિલ્લો દિવસેદિવસે ઔદ્યોગિક ક્ષેત્રે મોટો વિકાસ સાધી રહ્યો છે,અને ભરૂચ અંકલેશ્વર દહેજ જેવા વિસ્તારો મહત્વના ઔધોગિક વિસ્તારો છે.
આવા ઔધોગિક વિસ્તારોમાં સ્પાની આડમાં દેહ વિક્રયનો બદનામ ધંધો ફાલ્યો હોવાની વ્પાપક ચર્ચાઓ ઉઠવા છતાં તંત્ર આ દુષણને જળમુળથી ડામવા કોઇ સક્ષમ પગલા નથી ભરતું,જે દુખદ ગણી શકાય. જ્યારે કેટલાક મસાજ સેન્ટરોમાં મસાજ કરતી યુવતીઓ દ્વારા મસાજ કરાવવા આવતા યુવાનોને ઉત્તેજિત કરીને તેમને મને કમને પણ આ દુષણમાં ભાગીદાર બનાવાતા હોવાની ચર્ચાઓએ પણ વેગ પકડ્યો છે, અને આમ કરીને મસાજ કરાવવા આવતા ગ્રાહકો પાસેથી તગડી રકમ પણ પડાવાતી હોવાની બુમો પણ ઉઠવા પામી છે.
આમાં કામ કરતી કેટલીક યુવતીઓને રાત્રી દરમિયાન પણ ગ્રાહકોને સેવા આપવા મોકલાતી હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે,ત્યારે જિલ્લાની પોલીસ આ બાબતે સઘન તપાસ કરવા આગળ આવે તેવી માંગ લોકોમાં ઉઠવા પામી છે. જ્યારે કેટલાક સ્પા સેન્ટરોના માલિકો આ કાળા ધંધાની કાળી કમાણીથી એક કરતા વધુ સ્પા સેન્ટરોના માલિક બન્યા હોવાની વિગતો પણ સામે આવી છે. ભરૂચ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોની હદમાં ચાલતા મસાજ પાર્લરોમાં આવા બદનામ ધંધા ચાલતા હોવાની શું સ્થાનિક પોલીસને ખબર નહિ હોય? સ્પા સેન્ટરોમાં આવવા યુવકોને મોબાઇલ દ્વારા પણ લલચાવાતા હોવાની વાતો પણ જિલ્લામાં ઉઠી રહી છે.
આમાં કેટલાક યુવાનોને ત્યારબાદ બ્લેકમેઇલ કરીને કે ધમકી આપીને પૈસા પડાવવાનું કૃત્ય પણ થાય છે,અને આવા કિસ્સાઓમાં ચોરની મા કોઠીમાં મોં ઘાલીને રડે,એમ ફસાયેલા યુવાનો કંઇ બોલી શકતા નથી.જોકે આમાં કામ કરતી યુવતીઓનું પણ મોટાભાગે શોષણ જ થાય છે,ગ્રાહકો પાસેથી ખંખેેરાતી તગડી રકમમાંથી તેમને જુજ રકમ આપીને મોટી રકમ કહેવાતા દલાલો ચાઉ કરી જતા હોય છે. ત્યારે મને કમને દેહ વ્યવસાયના વ્યવસાયમાં ધકેલાઇ જતી યુવતીઓને આમાંથી બહાર લાવવા સક્ષમ કામગીરીની આવશ્યકતા જણાય છે.