છેલ્લાં 3 દિવસથી અમદાવાદમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવનો શરૂ થયાં છે, જેને કારણે શહેરમાં ઠંડીનો પારો 13 ડિગ્રીની આસપાસ રહેતાં ઠંડીમાં સામાન્ય ઘટાડો થયો હતો, પરંતુ, શુક્રવારે દિવસ દરમિયાન ઠંડા પવનો ફૂંકાયા હતા.
જેની અસરોથી શહેરના તાપમાનમાં મોટો ફેરફાર ન થવા છતાં લોકોઅ દિવસ દરમિયાન ઠંડીનો અનુભવ કર્યો હતો. આ સાથે આગામી બેથી ત્રણ દિવસો દરમિયાન શહેરમાં ઠંડીનું જોર યથાવત રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હવામાન વિભાગના આંકડાઅ મુજબ, શુક્રવારે દિવસ દરમિયાન 8થી 10 કિમીની ગતિના પવનો ચાલુ રહ્યાં હતાં. જેની અસરોથી અમદાવાદનું મહત્તમ તાપમાન ગુરુવાર કરતાં 1 ડિગ્રી અને સામાન્યથી 3.2 ડિગ્રી ગગડીને 26.0 ડિગ્રી અને લઘુતમ તાપમાન 13.3 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 8.30 કલાકે 49 ટકા અને સાંજે 5.30 કલાકે 21 ટકા નોંધાયું હતું.
શહેરના મહત્તમ અને લઘુતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો ન હતો. પરંતુ, ગુરુવાર કરતાં શુક્રવારે વહેલી સવારથી જ શહેરમાં ઠંડા પવનોનું જોર વધ્યું હતું. સવારના 8થી 12 વાગ્યા દરમિયાન પવનની ગતિ 10થી 15 કિલોમીટર વચ્ચે પહોંચી જતાં પવનની સાથે ધૂળની ડમર પણ ઉડતા વાહન ચાલકોને પરેશાની થઈ હતી.