વહેલી તકે અને યુધ્ધના ધોરણે આ રસ્તો ગુણવત્તા સાથે બને એવું વેપારી સમાજ ઈચ્છે છે.
હાલ તો ધરમૂળથી ખોદાયેલ આ રોડ પર પસાર થવું એટલે લોઢાના ચણા ચાવવા જેવું.!!!
રોડનું લેવલ નીચે લેવા માટે રોડને ખોદવો પણ જરૂરી હતો. ઉત્તમ ક્વોલિટીનો રોડ બને એવું વેપારી સમાજ ઈચ્છે છે.
રોડનું લેવલ નીચે જતાં ચોમાસા દરમિયાન ભારેથી અતીભારે વરસાદ દરમિયાન નીચાણવાળા દુકાનમાં પાણી ઘુસવાની શક્યતાઓ ઓછી થશે.
સાવરકુંડલા શહેરમાં આવેલ ગાંધી ચોક થી મેઈન બઝાર નદી સુધીનો જાહેર રોડ હાલ ફરી ખોદીને વેપારી સમાજની માંગ સાથે આમૂળ નવો બનાવવા માટે સાવરકુંડલા નગરપાલિકા દ્વારા પ્રારંભ થયો. આ સંદર્ભે સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે આ રોડનું કામ સંપૂર્ણ ગુણવત્તા યુક્ત બને તે માટે સતત કાળજી લેવાશે.

આ સંદર્ભે સાવરકુંડલા મેઈન બઝારના વેપારીઓને આ રોડ બનીને ફરી સંપૂર્ણ કાર્યરત થાય તે માટે લગભગ એક મહિના સુધી રાહ જોવી પડશે. એટલે કે આ વિસ્તારના વેપારીઓને આમ ગણીએ તો એક માસનું વેકેશન (હોલીડે) જ સમજવું રહ્યું કારણ કે હાલ આ રોડનું ધરમૂળથી બનાવવા માટે તથા તેનું લેવલ નીચે ઉતારવા માટે સંપૂર્ણપણે ખોદી કાઢવામાં આવેલ છે એટલે હાલ તો આ રોડ પર ચાલવું એટલે જાણે પર્વતારોહણ પર ટ્રેકિંગ કરતાં હોય તેવું વાતાવરણ જોવા મળે છે.
આ વિસ્તારમાં ખરીદી માટે આવતાં રડ્યાખડ્યા ગ્રાહકો પણ આ રોડ પર ચાલતાં ખૂબ મુશ્કેલી અનુભવતાં જોવા મળેલ. હાલ તો આ રોડ પર ચાલવું એટલે જણે બે આધાર પર ટિંગાડેલ ઉંચા દોરડા પર ચાલવા જેવું જ છે..!! પેલાં નટ બજાણિયાના ખેલ સમું…! ખૂબ જ જરૂરી હોય તેવા ગ્રાહકો જ આ બઝારમાં હાલ નીકળતાં જોવા મળે છે. નગરપાલિકા દ્વારા વહેલી તકે આ રોડ તૈયાર થાય એ માટે યુધ્ધના ધોરણે રાત દિવસ કામ ચાલે એમ વેપારી સમાજ ઈચ્છે છે.

જો કે એકંદરે રોડનું લેવલ નીચે ઉતરતાં ચોમાસા દરમિયાન વરસાદી પાણીથી થોડેઘણે અંશે રાહત થશે એમ નીચેના નદી બઝાર વિસ્તારના વેપારીઓએ જણાવ્યું હતું અને પરિણામ સ્વરૂપ ભારે વરસાદ દરમિયાન દુકાનમાં પાણી ઘુસી જવાની સંભાવના ઘટી જશે એટલે ચોમાસા દરમિયાન આ વિસ્તારના વેપારીઓ ઉંચક મને રહેવાને બદલે થોડી ઘણી નિરાંત અનુભવશે. અને આ દુકાનના વિમાના પ્રિમિયમ ના દર પણ ઘટશે એવું વેપારી દ્વારા જણાવા મળ્યું. જો કે આ રોડ બને ત્યારે આ રોડમાં વપરાતું માલ મટિરિયલ ગુણવતા યુક્ત અને ટેન્ડર મુજબ વપરાય એવું વેપારી સમાજ ઈચ્છે છે અને વેપારી સમાજનાં પ્રતિનિધિઓની રૂબરૂમાં રોડમાં વપરાતા મટિરયલનો ઉપયોગ થાય એવું પણ વેપારી સમાજ ઈચ્છે છે. અને લાંબા સમય સુધી રોડ ટકી રહે તેવી રીતે જ રોડનું કામ થાય એ ઇચ્છનીય છે અને ઉચ્ચ ગુણવત્તા યુક્ત રોડ બને તો વેપારી માટે આ એકાદ મહિનાના વેકેશન માહોલ પણ લેખે લાગે.
બિપીન પાંધી સાવરકુંડલા