અંકલેશ્વરથી કેવડીયાને જોડતો સ્ટેટ હાઇવે 5 વર્ષ બાદ પણ પૂર્ણ થઇ શકયો નથી. ખાસ કરીને ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો હાઇવે દર ચોમાસામાં ખખડધજ બની જાય છે. અત્યાર સુધી હાઇવે પાછળ 100 કરોડથી વધુનો ખર્ચ થઇ ગયો હોવા છતાં હાઇવે બની શકયો નથી અને ખાડાઓ પુરી ગાડુ ગબડાવવામાં આવી રહયું છે.
વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાને જોડતો હાઇવે હોવા છતાં તેના નિર્માણમાં બેદરકારી દાખવનાર કંપની સામે કોઇ જ કાર્યવાહી કરવામાં નહિ આવતાં લોકોમાં રોષ ફેલાયો છે. મોટા મોટા ગાબડા પડતા તેમાં ચોમાસાનું પાણી ભરાતા કાદવ કિચ્ચડનું સામ્રાજ્ય ફેલાયું છે. વાહનો તો ઠીક પરંતું લોકોને પગપાળા ચાલતા જવામાં પણ તકલીફ પડે એટલી હદે માર્ગ વિકટ બનતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
ઝઘડીયાથી રાજપારડીનું 10 કિમીનું અંતર કાપતા 30 મિનિટથી વધારેનો સમય લાગી જાય છે. રાજપારડીથી ઝઘડિયા તરફ આવતી લેનમાં રસ્તો વાહન ચાલી શકે તેવો પણ નહિ હોવાથી વાહનચાલકો નાછૂટકે રોંગ સાઇડ જાય છે અને પરિણામે અકસ્માતો સર્જાય છે.
ચાર રસ્તા પાસે આડેધડ પાર્કિંગની પણ સમસ્યા ઝઘડીયા ચાર રસ્તા નજીકથી રોજના હજારો વાહનો અવરજવર કરતા હોય છે. અહીં એક તો રોડ ખરાબ અને બીજુ ગમે તેમ વાહન પાર્ક કરતા વાહન ચાલકો બંને માથા નો દુખાવો સમાન બન્યા છે ત્યારે આ બાબતે તંત્ર કોઇ પ્રકારની કામગીરી કરે તેવી માંગ ઉઠી રહી છે.

