International

સિક્કિમ ક્રાંતિકારી મોરચાના નેતા પ્રેમ સિંહ તમંગ ફરી એક વખત બનશે મુખ્યમંત્રી

સિક્કિમ વિધાનસભાના જાહેર થયેલા પરિણામો જોઈને હવે નક્કી જ લાગે છે

સિક્કિમમાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીના પરિણામ આજે જાહેર થયા છે. અત્યાર સુધી સિક્કિમ વિધાનસભાના જાહેર થયેલા પરિણામો અને હાથ ધરાઈ રહેલ મતગણતરીમાં સરસાઈ ભોગવતી બેઠકોને ધ્યાને લઈએ તો, સિક્કિમ ક્રાંતિકારી મોરચા (એસકેએમ)ની રાજ્ય સરકાર બનશે. મત ગણતરીના વલણો અનુસાર, એસકેએમ રાજ્યની કુલ ૩૨ બેઠકોમાંથી ૨૦ બેઠક પર જીત મળી ચૂકી છે. અને હજુ પણ બહુમતી બેઠકો પર આગળ છે.

એસડીએફ એક બેઠક પર આગળ છે. પ્રેમ સિંહ તમંગ સિક્કિમના વર્તમાન મુખ્યમંત્રી છે. તેઓ ૨૦૧૯માં રાજ્યના છઠ્ઠા મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા હતા. હવે ૨૦૨૪માં ફરીવાર સિક્કિમના મુખ્ય પ્રધાન બનશે.

સિક્કિમ ક્રાંતિકારી મોરચાએ ૨૦૧૯ માં વિધાનસભાની ચૂંટણી લડી હતી, ત્યારે તેણે સિક્કિમ રાજ્યની ૩૨ માંથી ૧૭ બેઠકો પર જીત મેળવી હતી અને પાર્ટીને સ્પષ્ટ બહુમતી પણ મળી હતી. આ પછી પ્રેમ સિંહ તમાંગ સિક્કિમ રાજ્યના મુખ્યમંત્રી બન્યા. ૨૦૨૪ની વિધાનસભાની સ્થિતિ જોઈએ તો, આ સમાચાર લખાઈ રહ્યાં છે ત્યા સુધીમાં કુલ ૩૨ બેઠકની વિધાનસભાના જાહેર થયેલા પરિણામ પૈકી ૨૧ બેઠક પર સિક્કિમ ક્રાંતિકારી મોરચાના ઉમેદવારો જીત્યા છે. બાકીની ૧૯ બેઠકો પર તેમના નજીકના પ્રતિસ્પર્ધી કરતા આગળ ચાલી રહ્યાં છે.

પ્રેમ સિંહ તમંગ પશ્ચિમ સિક્કિમથી આવે છે અને ૧૯૯૦ ના દાયકાની શરૂઆતથી રાજકારણમાં સક્રિય છે. ૧૯૯૩માં પ્રેમ સિંહ તમંગ સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ (એસડીએફ)માં જોડાયા અને ૧૯૯૪માં ચકુંગ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડીને વિધાનસભામાં ધારાસભ્ય તરીકે પહોંચ્યા હતા. આ પછી તેઓ રાજ્ય સરકારમાં મંત્રી પણ બન્યા અને ૨૦૦૯ સુધી કેબિનેટ મંત્રી રહ્યા.