કેરળના વાયનાડમાં ભારે વરસાદને કારણે સોમવારે મોડી રાત્રે 4 અલગ-અલગ જગ્યાએ ભૂસ્ખલન થયું હતું. જેમાં 4 ગામ ધોવાઈ ગયા હતા. મકાન, પુલ, રસ્તા અને વાહનો પણ ધોવાઈ ગયા હતા. અત્યાર સુધીમાં 45 લોકોનાં મોત થયા છે. 70 હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે 400થી વધુ લોકો ગુમ છે. આ ઘટના મોડી રાત્રે 2 વાગ્યે બની હતી.
SDRF અને NDRFની ટીમ બચાવકાર્ય માટે સ્થળ પર હાજર છે. કન્નુરથી સેનાના 225 જવાનોને વાયનાડ મોકલવામાં આવ્યા છે. આમાં મેડિકલ ટીમ પણ સામેલ છે. આ સિવાય એરફોર્સનાં બે હેલિકોપ્ટર પણ બચાવકાર્ય માટે મોકલવામાં આવ્યા હતા. પરંતુ ભારે વરસાદના કારણે તેમને પાછું ફરવું પડ્યું છે.
વાયનાડનાં 4 ગામોમાં ભૂસ્ખલન થયું છે – મુંડક્કાઈ, ચુરામાલા, અટ્ટમાલા અને નૂલપુઝા. પાંચ વર્ષ પહેલાં 2019માં આ જ ગામોમાં ભૂસ્ખલન થયું હતું, જેમાં 17 લોકોના મોત થયા હતા. 5 લોકો આજદિન સુધી મળ્યા નથી. 52 મકાનો ધરાશાયી થયાં હતાં.
વાયનાડ ઉપરાંત હવામાન વિભાગે આજે કોઝિકોડ, મલપ્પુરમ અને કાસરગોડમાં પણ વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. એટલે કે આજે પણ અહીં ભારે વરસાદની સંભાવના છે. વાયનાડ દુર્ઘટનાના બચાવકાર્યમાં મુશ્કેલી આવી શકે છે.