પ્રિયંકા ગાંધીએ સંસદ સભ્ય તરીકેના શપથ લીધાને રેકોર્ડ બન્યો હતો
પ્રિયંકા ગાંધીના શપથની સાથે જ ગાંધી-નહેરુ પરિવારના ૧૬માં સભ્યએ સંસદમાં પ્રવેશ કર્યો. આ સાથે જ આ એન્ટ્રીથી ગાંધી પરિવારના અનેક અનોખા રેકોર્ડ બન્યા છે. આવું પહેલીવાર બન્યું કે માતા સોનિયા ગાંધી રાજ્યસભા સભ્ય છે અને તેમના બંને સંતાન રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી એક સાથે સંસદમાં છે. ભાઈ બહેનની રીતે જાેઈએ તો ૭૧ વર્ષ બાદ ગાંધી-નહેરુ પરિવારનો ઈતિહાસ સંસદમાં દોહરાવવામાં આવી રહ્યો છે.
૧૯૫૩ સુધી પંડિત જવાહરલાલ નહેરુ અને વિજયલક્ષ્મી પંડિતની ભાઈ બહેનની જાેડી સંસદમાં જાેવા મળતી હતી. હવે ૭૧ વર્ષ બાદ તે ગાંધી-નહેરુ પરિવારથી રાહુલ-પ્રિયંકા તરીકે ભાઈ બહેનની જાેડી સંસદમાં જાેવા મળી રહી છે. અહીં એ જણાવવું જરૂરી છે કે ૧૯૭૭ને બાદ કરતા એવો કોઈ સમય નહતો કે જ્યારે ગાંધી-નહેરુ પરિવારના કોઈ પણ સભ્ય સંસદમાં જાેવા ન મળ્યા હોય. અનેકવાર એવું પણ બન્યુ કે આ પરિવારના પાંચ પાંચ સભ્યો એક સાથે સંસદમાં જાેવા મળ્યા હોય.
પહેલી લોકસભાની રચના ૧૯૫૧-૫૨ માં થઈ હતી. તે સમયે લોકસભામાં ૪૮૯ સભ્યો હતા. તેમાંથી પાંચ સભ્ય ગાંધી-નહેરુ પરિવારના હતા. પંડિત જવાહરલાલ નહેરુ, બહેન વિજયાલક્ષ્મી પંડિત, અને જમાઈ ફિરોઝ ગાંધી ઉપરાંત ઉમા નહેરુ અને શ્યોરાજવતી નહેરુ પણ ચૂંટણી જીત્યા હતા. ઉમા નહેરુના પતિ શ્યામલાલ નહેરુ, પંડિત નહેરુના તાઉના પુત્ર હતા. ૧૯૫૩માં વિજયાલક્ષ્મી પંડિત સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષ પસંદ કરાયા આથી તેમણે પોતાની લખનઉ સેન્ટ્રલ લોકસભા સીટથી રાજીનામું આપ્યું હતું.
ત્યારબાદ થયેલી પેટાચૂંટણીમાં નહેરુ પરિવરાના સભ્ય શ્યોરાજવતી નહેરુ ચૂંટણી જીત્યા. તેઓ પંડિત નહેરુના તાઉ નંદલાલ નહેરુના બીજા પુત્ર ડોક્ટર કિશન લાલ નહેરુના વાઈફ હતા. આ રીતે એક જ લોકસભાના કાર્યકાળની અંદર સંસદ પહોંચનારા નહેરુ પરિવારના સભ્યોની મહત્તમ સંખ્યા પાંચ રહી. ઈમરજન્સી બાદ ૧૯૭૭ની છઠ્ઠી લોકસભા ચૂંટણીમાં ઈન્દિરા ગાંધીએ રાયબરેલીથી અને પુત્ર સંજય ગાંધીએ અમેઠી સીટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આવું પહેલીવાર બન્યું હતું કે જ્યારે ગાંધી-નહેરુ પરિવારનો કોઈ સભ્ય સંસદ પહોંચ્યો નહીં. પરંતુ તેના એક વર્ષ બાદ કર્ણાટકની ચિકમંગલૂર સિટથી ઈન્દિરા ગાંધી ચૂંટણી જીત્યા.
પહેલીવાર એવું બન્યું હતું કે જ્યારે નહેરુ ગાંધી પરિવારના કોઈ સભ્ય યુપી બહાર કોઈ અન્ય રાજ્યથી ચૂંટણી જીતીને સંસદ પહોંચ્યા. અહીંથી ગાંધી નહેરુ પરિવારના દક્ષિણ ભારતથી કનેક્શનની શરૂઆત થઈ. પ્રિયંકા ગાંધી પણ વાયનાડથી ચૂંટણી જીત્યા છે. ૧૯૮૦ની લોકસભા ચૂંટણીમાં ઈન્દિરા ગાંધી અને સંજય ગાંધી બંને ચૂંટણી જીતીને સંસદ પહોંચ્યા હતા. આ રીતે પહેલીવાર આ પરિવારના માતા-પુત્રની જાેડી સંસદ પહોંચી હતી.