બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર અને હુમલાની ઘટનાઓ વચ્ચે ઈસ્કોન સાથે સંકળાયેલા ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડના કારણે બંને દેશો વચ્ચેના સંબંધો બગડ્યા છે. જગદગુરુ શ્રી રામભદ્રાચાર્યએ આ સમગ્ર મામલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશે આવું ન કરવું જાેઈએ.રામભદ્રાચાર્યએ બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ પર નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે અમારી સરકાર તેમને સમજાવી રહી છે, તેમને સમજાવવામાં આવી રહ્યા છે નહીં તો અમે અમારી રીતે સમજાવીશું. હવે આપણા રાજનેતાઓ પણ સમજાવી રહ્યા છે કે આવું ના કરવું જાેઈએ. આ દરમિયાન તેમણે ફરી એકવાર હિંદુ એકતાની વાત દોહરાવી અને કહ્યું કે અમે અયોધ્યા જઈ રહ્યા છીએ. અમે રામ લલ્લાને બધા હિંદુઓને એક કરવા પ્રાર્થના કરીશું, જાે હિંદુઓ એક થઈ જશે તો આસુરી શક્તિઓ આપોઆપ પરાજિત થઈ જશે.
બાંગ્લાદેશમાં પૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની હકાલપટ્ટી બાદથી સ્થિતિ ખૂબ જ ખરાબ છે. હિન્દુ સમુદાયના લોકોને ત્યાં સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેમના પર હુમલાની ઘટનાઓ બની રહી છે જ્યારે હિન્દુ મંદિરો અને દેવી-દેવતાઓને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
આ જ ક્રમમાં ઈસ્કોન સાથે સંકળાયેલા હિંદુ ધાર્મિક નેતા ચિન્મય કૃષ્ણ દાસની તાજેતરમાં ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ હોબાળો વધુ વધી ગયો છે. બાંગ્લાદેશ સરકાર દ્વારા હિંદુ ધાર્મિક નેતા ચિન્મય કૃષ્ણ દાસ પર દેશદ્રોહનો આરોપ લગાવવામાં આવ્યો છે, જે બાદ આ ધરપકડના વિરોધમાં મોટી સંખ્યામાં હિંદુ સમુદાયના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.
આ દરમિયાન બીએનપી અને જમાતના લોકોએ તેમના પર હુમલો કર્યો હતો, ત્યારબાદ બંને પક્ષો વચ્ચે ઘર્ષણની ઘટનાઓ જાેવા મળી હતી. આ હિંસામાં ૫૦ થી વધુ હિન્દુઓ ઘાયલ થયા છે. ભારત સરકારે પણ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અંગે ચિંતા વ્યક્ત કરી છે. ભારત ત્યાંની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.

