National

કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી ચારે બાજુ બસ તબાહી જ તબાહીનો મંજર

કુદરતી આફતથી અત્યાર સુધીમાં ૧૫૧ લોકોના મોત થયા, ૪૮૧ લોકોને બચાવાયા

કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી ચારે બાજુ બસ તબાહી જ તબાહીનો મંજર છે. કુદરતી આફતથી અત્યાર સુધીમાં ૧૫૧ લોકોના મોત થયા છે. દુર્ઘટના બાદથી અત્યાર સુધીમાં ૪૮૧ લોકોનું રેસ્ક્યુ કરાયું છે અને સુરક્ષિત જગ્યાએ ખસેડાયા છે. ૯૮ લોકો હજુ પણ ગૂમ છે. જેઓ કાટમાળમાં ફસાયેલા હોવાની આશંકા છે.

વાયનાડમાં લેન્ડસ્લાઈડ બાદ ભારતીય સેના, ભારતીય વાયુસેના અને એનડીઆરએફના જવાનો દેવદૂત બનેલા છે અને સતત કાટમાળમાં ફસાયેલા લોકોને કાઢવામાં માટે રેસ્ક્યૂ ઓપરેશન કરી રહ્યા છે. વાયનાડમાં હજુ પણ અટકી અટકીને વરસાદ પડી રહ્યો છે. જેના કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં સમસ્યા આવે છે. સેના હેલિકોપ્ટરની મદદથી ફસાયેલા લોકોને સતત પહોંચાડવાની કોશિશ કરે છે. ઓપરેશન માટે લગભગ ૨૨૫ લોકોને તૈનાત કરાયા છે. જેમને ચાર ટુકડીમાં વહેંચવામાં આવ્યા છે.

ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરીને તમને હવાઈ માર્ગથી મોકલવામાં આવે છે. વાયુસેનાના ખાસ વિમાનથી ઘટનાસ્થળે રાહત સામગ્રી પહોંચાડાઈ છે. ૪૮૧ લોકોને બચાવ્યા છે, જ્યારે ૩૦૬૯ લોકોને સુરક્ષિત ઠેકાણે પહોંચાડ્‌યા છે. ૯૮ લોકો હજુ ગૂમ છે. જેઓ કાટમાળમાં ફસાયેલા હોવાની આશંકા છે. કેરળના પર્વતીય વિસ્તાર વાયનાડમાં મંગળવારે વહેલી સવારે અનેક જગ્યાઓએ ભારે વરસાદના પગલે ભૂસ્ખલનની ઘટનાઓ ઘટી. અનેક લોકો કાટમાળમાં ફસાયા હોવાના કારણે મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે.

ઘરમાં સૂતા લોકોને બચવાની પણ તક મળી શકી નહીં. ત્રણ ભૂસ્ખલનોએ વાયનાડના ચુરાલમાલા, મુંડાક્કઈ જેવા વિસ્તારોમાં ભારે તબાહી મચાવી છે. અનેક મકાનો જમીનદોસ્ત થયા, નદીઓ બે કાંઠે વહે છે અને ઝાડ પડી ગયા.

મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું કે વાયનાડ જિલ્લામાં સ્થાપિત ૪૫ રાહત શિબિરોમાં ૩૦૦૦થી વધુ લોકોને ખસેડાયા. પહેલું ભૂસ્ખલન મધરાતે ૨ વાગે થયું ત્યારબાદ બીજુ ભૂસ્ખલન સવારે ૪.૧૦ વાગે થયું. તેમણે કહ્યું કે મેપ્પાડી, મુંદક્કઈ અને ચુરલમાલા વિસ્તારોમાં સંપર્ક તૂટી ગયો છે. તથા ચુરલમાલા-મુંદક્કઈ રસ્તો સંપૂર્ણપણે ક્ષત્રિગ્રસ્ત થયો છે. વાયનાડમાં લેન્ડસ્લાઈડની ઘટના બાદ કેરળમાં રાજકીય શોક જાહેર કરાયો છે. આજે તમામ ઓફિસો બંધ રહેશે અને ઝંડો અડધી કાઠીએ ફરકશે. મુખ્યમંત્રીના જણાવ્યાં મુજબ રાજ્ય સરકાર આ ઘટનાથી ખુબ દુખી છે. જેમાં અનેક લોકોના જીવ ગયા છે અને સંપત્તિને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે.

મુખ્ય સચિવ વી. વેનુ દ્વારા મંગળવારે જાહેર એક અધિકૃત સૂચના મુજબ ૩૦ અને ૩૧ જુલાઈએ રાજકીય શોક જાહેર કરાયો છે. પ્રોટોકોલ મુજબ આ બે દિવસોમાં રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરશે અને તમામ સરકારી કાર્યક્રમો રદ કરાશે. કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન આજે વાયનાડ જશે અને ઘટનાસ્થળે સમીક્ષા કરશે. રાજ્યપાલ ઘાયલોને મળી શકે છે. અધિકારીઓએ જણાવ્યું કે ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોમાં ચુરલમાલા, અટ્ટમાલા અને નુલપુઝા ગામ સામેલ છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનો આજે વાયનાડ જવાનો કાર્યક્રમ રદ યો છે.

ખરાબ હવામાનના કારણે રાહુલ અને પ્રિયંકા હાલ વાયનાડ નહીં જાય. રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરીને કહ્યું કે પ્રિયંકા અને હું ભૂસ્ખલનથી પ્રભાવિત પરિવારોને મળવા અને સ્થિતિની સમીક્ષા કરવા માટે વાયનાડ જવાના હતા. જો કે સતત વરસાદ અને પ્રતિકૂળ હવામાનની સ્થિતિના કારણે અમને અધિકારીઓએ સૂચિત કર્યું છે કે અમે ઉતરી શકીશું નહીં. હું વાયનાડના લોકોને આશ્વાસ્ત કરવા માંગુ છું કે અમે જલદી ત્યાં આવીશું. આ બધા વચ્ચે અમે સ્થિતિ પર નજર રાખીશું અને તમામ જરૂરી મદદ કરીશું. આ કપરાં સમયમાં અમારી સંવેદનાઓ વાયનાડના લોકો સાથે છે.