ગુજરાતની ધરતી પર જન્મેલા ગુજરાતી ખેલાડીનું નામ હાલ આજે દુનિયામાં ગુંજી રહ્યું છે. ભારતીય ક્રિકેટ ટીમના બાપુ એટલે અક્ષર પટેલે ટી૨૦ વર્લ્ડકપ ૨૦૨૪ની સેમીફાઈનલમાં પોતાની શાનદાર બોલિંગથી ઈંગ્લેન્ડને હરાવી ભારતીય ટીમને ફાઈનલમાં પહોંચાડી છે. ટીમ ઈન્ડિયામાં બાપુ તરીકે ઓળખાતા ઓલરાઉન્ડર અક્ષર પટેલે ગયાનામાં રમાયેલી સેમીફાઈનલમાં પોતાની બોલિંગ અને બેટિંગથી ઈંગ્લેન્ડના પગ ધ્રુજાવી દીધા હતા. આ સાથે ટીમ ઈન્ડિયાની ૬૮ રને શાનદાર જીત થઈ છે.
અક્ષર પટેલે ૬ બોલમાં ૧૦ રન બનાવ્યા હતા પરંતુ તેનું અસલી કામ બોલિંગમાં હતુ. ટીમ ઈન્ડિયાનો ૧૭૧ રનનો સ્કોર એક સમયે ઈંગ્લેન્ડ માટે આસાન હોય તેવું લાગી રહ્યું હતુ પરંતુ અક્ષર પટેલે ચોથી ઓવર હાથમાં લીધી અને પહેલા બોલ પર જ કેપ્ટન જાેસ બટલરને આઉટ કર્યો હતો અને અહિથી અક્ષર પટેલે ભારતને જીત અપાવી દીધી હતી. અક્ષર પટેલે ચોથી ઓવરથી ૮મી ઓવર વચ્ચે સતત ૩ ઓવરની બોલિગ કરી હતી. આ ૩ ઓવરમાં અક્ષર પટેલે પહેલા જ બોલ પર વિકેટ લીધી હતી.
બટલર બાદ આગામી ઓવરમાં તેમણે જાેની બેયરસ્ટોને આઉટ કર્યો અને ૮મી ઓવરના પહેલા બોલ પર મોઈન અલીને પેવેલિયન મોકલ્યો હતો. આ ૩ વિકેટ એવી હતી કે, એક સમયે ઈંગ્લેન્ડની ટીમે પણ જાણે હાર માની લીધી હોય તેવું લાગી રહ્યું હતુ. અક્ષરે ૪ ઓવરમાં માત્ર ૨૩ રન આપ્યા હતા અને ૩ વિકેટ લીધી હતી. તેના આ પ્રદર્શન માટે તેની પ્લેયર ઓફ ધ મેચ માટે પણ પસંદગી થઈ છે.