Sports

ટી૨૦ વર્લ્ડ કપમાં રવિચંદ્રન અશ્વિનનો ૧૦ વર્ષ જૂનો રેકોર્ડ અર્શદીપ સિંહે તોડ્‌યો

૧૨ જૂનના રોજ ટીમ ઈન્ડિયાએ નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ન્યૂયોર્ક ખાતે સંયુક્ત યજમાન યુએસએ સામે રમાયેલી મેચમાં ૭ વિકેટે જીત મેળવી હતી. આ મેચમાં ભારતીય ઝડપી બોલર અર્શદીપ સિંહનું ખૂબ સારું પ્રદર્શન જોવા મળ્યું હતું જેમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો ર્નિણય ભારતના પક્ષમાં રહ્યો હતો. ભારતીય ટીમે અમેરિકાને ૨૦ ઓવરમાં ૧૧૦ના સ્કોર પર રોકી દીધું હતું. અર્શદીપ સિંહે તેની ૪ ઓવરમાં માત્ર ૯ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી. જેની સાથે તેણે ટી૨૦ વર્લ્ડ કપમાં રવિચંદ્રન અશ્વિનનો ૧૦ વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો.

ટી૨૦ વર્લ્ડ કપ મેચમાં ભારતના શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન

અર્શદીપ સિંહ – ૯ રનમાં ૪ વિકેટ (યુએસએ વિરુદ્ધ, વર્ષ -૨૦૨૪)
રવિચંદ્રન અશ્વિન – ૧૧ રનમાં ૪ વિકેટ (વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા- ૨૦૧૪)
હરભજન સિંહ – ૧૨ રનમાં ૪ વિકેટ (વિ. ઈંગ્લેન્ડ- ૨૦૧૨)
આરપી સિંહ – ૧૩ રનમાં ૪ વિકેટ (વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા-૨૦૦૭)
ઝહીર ખાન – ૧૯ રનમાં ૪ વિકેટ (આયર્લેન્ડ વિરુદ્ધ- ૨૦૦૯)
પ્રજ્ઞાન ઓઝા – ૨૧ રનમાં ૪ વિકેટ (વિ. બાંગ્લાદેશ- ૨૦૦૯)

ભારતીય બોલર અર્શદીપ સિંહે આ મેચમાં પોતાની પહેલી જ ઓવરમાં ૨ વિકેટ ઝડપી હતી જેમાં સાયાન જહાંગીર અને એન્ડ્રીસ ગોસની વિકેટ સામેલ હતી. અર્શદીપે નીતિશ કુમાર અને હરમીત સિંહના રૂપમાં આગામી બે શિકાર બનાવ્યા. ટી૨૦ વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારતીય ખેલાડી દ્વારા એક મેચમાં સર્વશ્રેષ્ઠ બોલિંગ કરવાનો રેકોર્ડ હવે અર્શદીપ સિંહના નામે નોંધાઈ ગયો છે.

આ પહેલા આ રેકોર્ડ રવિચંદ્રન અશ્વિનના નામે હતો, જેણે ૨૦૧૪ ટી૨૦ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે મીરપુર મેદાન પર રમાયેલી મેચમાં ૧૧ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી. આ મેચમાં અર્શદીપ સિંહને તેના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો.