Sports

કેન્સર પીડિત ક્રિકેટર અંશુમનને વીડિયો મેસેજથી કહ્યું-‘જલ્દી સ્વસ્થ થઇ જા, આપણે સાથે બેસીને ચ્હા-કોફી, ડ્રિંક લઇશું’

ક્રિકેટ જગતનું મોટું નામ અંશુમન ગાયકવાડ હાલ શહેરના ગેંડા સર્કલ પાસેની ખાનગી હોસ્પિટલમાં કેન્સરની સારવાર લઇ રહ્યા છે. તેમની તબિયત સુધારા પર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે ત્યારે અંશુમન ગાયકવાડ માટે તેમના જૂના મિત્ર અને પૂર્વ ક્રિકેટર કપિલ દેવે વીડિયો મેસેજ મોકલ્યો છે.

જેમાં તેઓ જણાવે છે કે, આપણી પાસે કહેવા-સાંભળવા માટે ઘણી વાતો છે. મળીશું, વાતો કરીશું, તમે પહેલા સાજા થઇ જાઓ એટલા સારા થઇ જાઓ કે આપણે સાથે બેસીને ચા-કોફી… એક નાનો ડ્રીંક લઇ શકીએ. તાજેતરમાં અંશુમન ગાયકવાડની સારવાર માટે બીસીસીઆઇ (BCCI) દ્વારા રૂપિયા 1 કરોડની સહાય કરવામાં આવી છે.

પૂર્વ ભારતીય ક્રિકેટર અંશુમન ગાયકવાડને ડિફેન્સ ટેકનિક માટે ‘ધ ગ્રેટ વોલ’ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. આ ટેક્નિક તે સમયે પણ ખૂબ જ મહત્વપૂર્ણ હતી. કારણ કે વેસ્ટ ઈન્ડિઝના ઝડપી બોલરોએ વિશ્વ મંચ પર પ્રભુત્વ જમાવ્યું હતું. અંશુમન ગાયકવાડ 40 ટેસ્ટ મેચોમાંથી મોટાભાગની મેચોમાં સુનિલ ગાવસ્કરના ઓપનિંગ પાર્ટનર હતા. તેમને લિટલ માસ્ટરનો ‘જમણો હાથ’ પણ કહેવામાં આવતા હતા. હાલ અંશુમન ગાયકવાડ વડોદરાની ખાનગી હોસ્પિટલમાં કેન્સરની સારવાર હેઠળ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ તેમની તબિયત સુધારા પર છે. તાજેતરમાં તેમની સારવાર માટે કપિલ દેવના કહેવાથી BCCI દ્વારા રૂપિયા 1 કરોડની સહાય આપવામાં આવી છે ત્યારે કપિલ દેવે એક વીડિયો મારફતે અંશુમન ગાયકવાડ માટે સંદેશ મોકલ્યો છે. જેમાં જલ્દી સાજા થઇ જવા સહિતની વાત કરી છે.