ઇંગ્લેન્ડના બોલરોના શાનદાર પ્રદર્શનના કારણે ઇંગ્લેન્ડે T20 વર્લ્ડ કપમાં ઓમાનને 8 વિકેટે હરાવ્યું હતું. એન્ટિગુઆના સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં ગુરુવારે મોડી રાત્રે રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડે ટૉસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું.
પ્રથમ બેટિંગ કરવા આવેલી ઓમાનની ટીમ માત્ર 47 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ઇંગ્લેન્ડના બેટર્સે 3.1 ઓવરમાં 2 વિકેટે ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.
ઇંગ્લેન્ડ માટે મેચ એકતરફી રહી હતી. રન રેટના સંદર્ભમાં, સ્કોટલેન્ડથી આગળ વધવા માટે 5.1 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કરવાનો હતો. જોકે, ટીમે માત્ર 3.1 ઓવરમાં એટલે કે 19 બોલમાં ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. ઇંગ્લેન્ડની સામે ઓમાનના 10 બેટર્સ ડબલ ફિગર પણ પાર કરી શક્યા નથી. ઓમાન વર્લ્ડ કપ 2024ની તમામ મેચ હારી ગયું છે.
ઇંગ્લેન્ડ તરફથી શાનદાર બોલિંગ જોવા મળી હતી. સ્પિનર આદિલ રાશિદે 4 વિકેટ લીધી હતી. જ્યારે ઝડપી બોલર માર્ક વુડ અને જોફ્રા આર્ચરને 3-3 વિકેટ મળી હતી. જ્યારે બેટિંગમાં કેપ્ટન જોસ બટલરે 300ના સ્ટ્રાઈક રેટથી 24 રન બનાવ્યા હતા.
ઇંગ્લેન્ડની પ્લેઑફની આશા વધી ગઈ
આ મેચને કારણે ઇંગ્લેન્ડની પ્લેઑફની આશા વધી ગઈ છે. સ્કોટલેન્ડના 5 પોઈન્ટ છે. આ સાથે જ ઇંગ્લેન્ડનો 1 પોઈન્ટ હતો. ઇંગ્લેન્ડને મોટા માર્જિનથી જીતવાની જરૂર હતી, જેથી જો સ્કોટલેન્ડ એક હાર હારી જાય તો ટીમ 5 પોઈન્ટ સાથે ક્વોલિફાઈ થઈ જાય.
ટીમને ઓમાન સામે મોટી જીત મળી અને તેનો રન રેટ સ્કોટલેન્ડ કરતા સારો બન્યો. હવે ટીમ સ્કોટલેન્ડની હારની ઇચ્છા સાથે પોતાની જીત સુનિશ્ચિત કરશે.

