રોહિત શર્માની ફિટનેસને લઈને સતત ટીકા થતી રહે છે. એવું કહેવાય છે કે રોહિત ફિટ નથી કારણ કે તેનું પેટ બહાર નીકળી રહ્યું છે. સોશિયલ મીડિયા પર લોકો તેને જાડો પણ કહે છે, પરંતુ બીજી મેચમાં ટીમ ઈન્ડિયા માટે ફિલ્ડિંગ કરતી વખતે રોહિતે કંઈક એવું કર્યું કે તેની ટીકા કરનારાઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં દક્ષિણ આફ્રિકા સામે બીજી ટેસ્ટ મેચ રમી રહી છે. કેપટાઉનમાં રમાઈ રહેલી આ મેચમાં ભારતીય બોલરોએ શાનદાર રમત બતાવી હતી. મોહમ્મદ સિરાજની શાનદાર બોલિંગના કારણે ભારતે દક્ષિણ આફ્રિકાને પ્રથમ દાવમાં માત્ર ૫૫ રનમાં આઉટ કરી દીધું હતું.
જાે કે, ટીમ ઈન્ડિયા પણ તેની પ્રથમ ઈનિંગમાં મોટો સ્કોર કરી શકી ન હતી અને ૧૫૩ રનમાં જ પડી ગઈ હતી. આ મેચમાં રોહિતે ટીમના સૌથી ફિટ ક્રિકેટરમાંથી એક અને ટીમના શ્રેષ્ઠ ફિલ્ડર ગણાતા રવીન્દ્ર જાડેજાને હરાવ્યો હતો.. દક્ષિણ આફ્રિકાની પ્રથમ ઈનિંગ દરમિયાન સિરાજ ૧૪મી ઓવર ફેંકી રહ્યો હતો. તેણે ફુલ લેન્થ ઓવરનો ચોથો બોલ ફેંક્યો જેના પર દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન કાઈલ વેરેને ઓફ સાઈડ પર શોટ રમ્યો, બોલ ગેપમાં ગયો. રોહિત અને જાડેજા બંને બોલ પકડવા દોડ્યા હતા. પરંતુ રોહિત જાડેજા કરતાં વધુ ઝડપથી દોડ્યો અને બોલને ફિલ્ડ કરીને ફેંક્યો.
કોઈને વિશ્વાસ ન થયો કે રોહિત જાડેજા કરતા વધુ ઝડપથી દોડ્યો. આટલું જ નહીં, રોહિત પ્રથમ દાવ દરમિયાન શોર્ટ લેગ પર ફિલ્ડિંગ કરતો જાેવા મળ્યો હતો. સામાન્ય રીતે, ટીમના નવા સભ્ય અને આ જગ્યાએ નિયમિતપણે ફિલ્ડિંગ કરતા ખેલાડી જ આ સ્થાને ઉભા રહે છે. રોહિત સામાન્ય રીતે સ્લિપમાં ફિલ્ડિંગ કરતો જાેવા મળે છે પરંતુ આ મેચમાં રોહિત શોર્ટ લેગ પર ઉભો હતો. અહીં ઈજા થવાનું જાેખમ વધારે છે. રોહિતે તેની પરવા ન કરી અને અહીં ચાર્જ સંભાળી લીધો. અહીં ઉભા રહીને રોહિતે પ્રથમ દાવમાં ટ્રિસ્ટન સ્ટબ્સનો કેચ પણ પકડ્યો હતો. સ્ટબ્સ તેની પ્રથમ મેચ રમી રહ્યો હતો.