રાજકોટમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ રાજકોટમાં મજબૂત સ્થિતિ મેળવી લીધી છે. ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે જીત માટે ૫૫૭ રનનો પહાડ જેવો ટાર્ગેટ રાખ્યો છે. મેચમાં ભારતીય ટીમે છગ્ગા ફટકારવાનો રેકોર્ડ નોંધાવ્યો છે. ભારતીય ટીમે રાજકોટ ટેસ્ટ દરમિયાન સિક્સર ફટકારવાનો પોતાનો જ રેકોર્ડ તોડી દીધો છે. એક જ ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધારે છગ્ગા ફટકારવાનો એક રેકોર્ડ પોતાનો જ તોડી નવો રચી દીધો છે.
પાંચ ટેસ્ટ મેચની આ સિરીઝમાં ત્રણ મેચમાં જ ભારતીય ટીમના ખેલાડીઓએ અત્યાર સુધીમાં ૪૮ છગ્ગા ફટકારી દીધા છે. આમ અગાઉનો વિક્રમ ભારતે તોડીને નવો રચ્યો છે. આ પહેલા વર્ષ ૨૦૧૯માં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીમાં ૪૭ છગ્ગા ફટકાર્યા હતા. આમ હવે ૪૮ છગ્ગા સાથે ભારતે નવો રેકોર્ડ રચ્યો છે. જાેકે સિરીઝની હજુ ૨ મેચ બાકી છે. આમ ભારતીય ટીમ પોતાના જ વિશ્વ વિક્રમને વધુ સારો કરવા માટે ૨ મોકા હજુ સિરીઝમાં ધરાવે છે.
ઈંગ્લેન્ડે ગત વર્ષે એશિઝ સિરીઝમાં ઓસ્ટ્રેલિયા સામે ગત વર્ષે ૫ મેચની ટેસ્ટ સિરીઝમાં ૪૩ છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે આ પહેલા એશિઝમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડ સામે વર્ષ ૨૦૧૩-૧૪માં ૪૦ છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે એક જ મેચમાં વધારે છગ્ગાની વાત કરવામાં આવે તો પણ ભારતીય ટીમે પોતાનો રેકોર્ડ તોડ્યો છે. ભારતીય ટીમે આ પહેલા દક્ષિણ આફ્રિકા સામે ૨૦૧૯માં એક જ ટેસ્ટ મેચમાં ૨૭ છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે રાજકોટ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે ભારતીય ટીમ તરફથી બંને ઈનીંગમાં મળીને ૨૮ છગ્ગા નોંધાયા છે.
જ્યારે એક જ ઈનીંગમાં છગ્ગા કેટલા નોંધાયા એ સવાલનો જવાબ જાેઈએ તો રાજકોટ ટેસ્ટમાં ભારતે બીજા દાવમાં ૧૯ છગ્ગા નોંધાવ્યા છે. આ પણ ટીમ ઈન્ડિયાના નામે એક વિક્રમ છે. કારણ કે આ પહેલા ૧૮ છગ્ગાનો રેકોર્ડ ભારતે નોંધાવ્યો હતો. યશસ્વી જયસ્વાલે ૨૧૪ રનની અણનમ બેવડી સદી નોંધાવતા ૧૨ છગ્ગા બીજી ઈનીંગમાં નોંધાવ્યા હતા. જ્યારે પ્રથમ ઈનીંગમાં ૨ છગ્ગા નોંધાવ્યા હતા. સરફરાઝ ખાને બીજી ઈનીંગમાં ૩ અને પ્રથમ દાવમાં ૧ છગ્ગો નોંધાવ્યો હતો. રોહિત શર્માએ પ્રથમ ઈનીંગમાં ૩ છગ્ગા ફટકાર્યા હતા.