Sports

IPL૨૦૨૪ની નવમી મેચમાં રાજસ્થાન રોયલ્સે દિલ્હી કેપિટલ્સને ૧૨ રને હરાવ્યું

રાજસ્થાન રોયલ્સે આ સિઝનમાં સતત બીજી જીત નોંધાવી

IPL  ૨૦૨૪ની નવમી મેચમાં રાજસ્થાન રોયલ્સે દિલ્હી કેપિટલ્સને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને ૧૮૫ રન બનાવ્યા હતા જેના જવાબમાં દિલ્હીની ટીમ માત્ર ૧૭૩ રન બનાવી શકી હતી. રાજસ્થાનની જીતના હીરો રિયાન પરાગ અને અવેશ ખાન હતા. રિયાન પરાગે અણનમ ૮૪ રન બનાવ્યા હતા. અવેશ ખાને મેચની છેલ્લી ઓવર ફેંકી જેમાં રાજસ્થાનને ૧૭ રનની જરૂર હતી.

પરંતુ આ બોલરે ૨૦મી ઓવરમાં માત્ર ૪ રન આપ્યા હતા. વિકેટની વાત કરીએ તો ચહલે ૧૯ રનમાં ૨ વિકેટ અને બર્ગરે ૨૯ રનમાં ૨ વિકેટ ઝડપી હતી. રાજસ્થાન રોયલ્સે આ સિઝનમાં સતત બીજી જીત નોંધાવી હતી જ્યારે દિલ્હી કેપિટલ્સ તેની બીજી મેચ હારી હતી. આ જીત સાથે રાજસ્થાનની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. ચેન્નાઈની જેમ આ ટીમે પણ બંને મેચ જીતી છે પરંતુ નેટ રન રેટના આધારે રાજસ્થાન બીજા સ્થાને છે.

પડકાર ૧૮૬ રનનો હતો પરંતુ દિલ્હી કેપિટલ્સના ઓપનર ડેવિડ વોર્નર અને મિશેલ માર્શે ટીમને સારી શરૂઆત અપાવી હતી. મિશેલ માર્શે ખાસ કરીને પાવરપ્લેમાં ૫ ચોગ્ગા ફટકારીને પોતાની કુશળતા દર્શાવી હતી, પરંતુ આ પછી નાન્દ્રે બર્જરે આ બેટ્‌સમેનને ૨૩ના વ્યક્તિગત સ્કોર પર આઉટ કરીને પોતાની ટીમને પ્રથમ સફળતા અપાવી હતી. આ પછી બર્ગરે એ જ ઓવરમાં રિકી ભુઈને ૦ રને આઉટ કર્યો હતો.

બે વિકેટ પડ્યા બાદ પંત અને વોર્નરે ટીમને કાબૂમાં રાખવાનો પ્રયાસ કર્યો હતો. વોર્નરે આક્રમક અભિગમ અપનાવ્યો અને ૩૪ બોલમાં ૩ છગ્ગા અને ૫ ચોગ્ગા ફટકાર્યા. પરંતુ આ ખેલાડીએ ૪૯ના અંગત સ્કોર પર પોતાની વિકેટ ગુમાવી દીધી અને અહીંથી દિલ્હીની ટીમ લપસી ગઈ. દિલ્હીના કેપ્ટન રિષભ પંત તેના પ્રદર્શનથી નિરાશ છે. આ ડાબોડી ખેલાડી ૨૬ બોલમાં માત્ર ૨૮ રન બનાવી શક્યો હતો અને તેને યુઝવેન્દ્ર ચહલે શિકાર બનાવ્યો હતો. આઉટ થયા બાદ પંત પોતાની જાત પર ખૂબ જ ગુસ્સે દેખાતો હતો અને પેવેલિયન પરત ફરતી વખતે તેણે પોતાનું બેટ દિવાલ પર અથડાવ્યું હતું.

આ પહેલા રાજસ્થાનની ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. ટીમની હાલત ખરાબ હતી. આઠમી ઓવર સુધીમાં યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન અને જાેસ બટલર આઉટ થઈ ગયા હતા. આ પછી રાજસ્થાને અશ્વિનને બેટિંગ માટે મોકલ્યો અને તેણે રિયાન પરાગ સાથે મળીને ઇનિંગની કમાન સંભાળી. અશ્વિને ૧૯ બોલમાં ૨૯ રન બનાવ્યા હતા.

જ્યારે અશ્વિન આઉટ થયો ત્યારે રિયાન પરાગે ધ્રુવ જુરેલ સાથે મળીને ટીમની કમાન સંભાળી હતી. જુરેલ ૧૨ બોલમાં ૨૦ રન બનાવીને આઉટ થયો હતો અને ત્યારબાદ રિયાન પરાગે પોતાનો જાદુ બતાવ્યો હતો. રિયાન પરાગે ૩૪ બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી અને છેલ્લી ૩ ઓવરમાં આ ખેલાડીએ ૪૫ બોલમાં ૬ સિક્સ અને ૭ ફોરની મદદથી ૮૪ રન બનાવ્યા હતા. આ ઇનિંગ માટે પરાગને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.