Sports

રેસલર નિશા ઈજાને કારણે ક્વાર્ટર ફાઈનલમાં હારી, 8-1થી આગળ હતી, 10-8થી હારી ગઈ; શટલર લક્ષ્ય બ્રોન્ઝ મેડલ મેચ હાર્યો

ભારતીય કુસ્તીબાજ નિશા દહિયા પેરિસ ઓલિમ્પિકની સેમિફાઈનલમાં પહોંચવામાંથી રહી ગઈ હતી. કુશ્તીની મહિલાઓની 68 કિગ્રા વર્ગની ક્વાર્ટર ફાઈનલમાં તે 10-8થી હારી ગઈ હતી. એક સમયે નિશા 8-1થી આગળ હતી, પરંતુ તેના હાથમાં ઈજા થઈ અને નિશા છેલ્લી થોડી સેકન્ડમાં 10-8થી હારી ગઈ. સોમવારે ભારતીય બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન પણ મેન્સ સિંગલ્સની બ્રોન્ઝ મેડલ મેચ હારી ગયો હતો. તેને મલેશિયાના લી જી જિયાએ 13-21, 21-16 અને 21-11થી હરાવ્યો હતો.

ભારતને 12 વર્ષ બાદ ઓલિમ્પિકમાં બેડમિન્ટનમાં કોઈ મેડલ મળ્યો નથી. આ પહેલાં, પીવી સિદ્ધુ અને સાઇના નેહવાલે સતત ત્રણ ઓલિમ્પિક ગેમ્સમાં મેડલ જીત્યા હતા. સિંધુએ ટોકિયો 2020માં બ્રોન્ઝ, 2016માં સિલ્વર અને 2012માં સાઇનાએ બ્રોન્ઝ જીત્યો હતો. ભારતીય ખેલાડીએ બેડમિન્ટન બ્રોન્ઝ મેડલ મેચની પ્રથમ ગેમ 21-13થી જીતી હતી, પરંતુ મલેશિયાના સ્ટારે 21-16 અને 21-11થી બીજી અને ત્રીજી ગેમ જીતીને કમબેક કર્યું હતું.

બીજી તરફ, શૂટર અનંત જીત સિંહ અને મહેશ્વરી ચૌહાણની જોડી શોટગન સ્કીટ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં એક પોઈન્ટથી મેડલ ચૂકી ગઈ હતી. ભારતીય જોડીને ચીન સામે 44-43થી હાર મળી હતી. બીજી તરફ, ભારતીય મહિલા ટેબલ ટેનિસ ટીમ ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાએ રાઉન્ડ ઓફ 16 મેચમાં ચોથી ક્રમાંકિત રોમાનિયાને 3-2થી હરાવ્યું હતું. હવે મણિકા બત્રા, શ્રીજા અકુલા અને અર્ચના કામતની ટીમ 7મી ઓગસ્ટે અમેરિકા અને જર્મનીના વિજેતા સામે ટકરાશે.