Entertainment

બંગલોનો વીડિયો વાઇરલ થતાં આલિયા ભટ્ટ ભડકી, પ્રાઇવસી અંગે ચિંતા વ્યક્ત કરી ચેતવણી આપી

તાજેતરમાં, આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના નિર્માણાધીન બંગલાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. હવે આલિયા ભટ્ટે આ અંગે પોતાનું મૌન તોડ્યું છે. એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર એક સત્તાવાર પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં, તેણે પોતાની ગોપનીયતા (પ્રાઇવસી) અંગે ચિંતા વ્યક્ત કરી છે. ઉપરાંત, તેણે પ્રશ્નો પણ ઉઠાવ્યાં છે.

આલિયા ભટ્ટે પોસ્ટમાં લખ્યું, ‘હું સમજું છું કે મુંબઈ જેવા શહેરમાં જગ્યા મર્યાદિત છે. ક્યારેક તમે તમારી બારીમાંથી કોઈ બીજાનું ઘર જોઈ શકો છો. પરંતુ આ કોઈને પણ ખાનગી ઘરની ફિલ્મ બનાવવાનો અને તે વીડિયો ઓનલાઈન મૂકવાનો અધિકાર આપતું નથી.’

‘અમારા ઘરનો એક વીડિયો, જે હજુ પણ નિર્માણાધીન છે, તે અમારી જાણકારી કે સંમતિ વિના અનેક પ્રકાશનો દ્વારા રેકોર્ડ અને સર્ક્યુલેટ કરવામાં આવ્યો છે. આ સ્પષ્ટપણે ગોપનીયતાનું ઉલ્લંઘન છે અને સુરક્ષાનો ગંભીર મુદ્દો છે. પરવાનગી વિના કોઈની ખાનગી જગ્યાનું ફિલ્માંકન અથવા ફોટોગ્રાફ કરવું એ કન્ટેન્ટ નથી. તે ઉલ્લંઘન છે. તેને ક્યારેય સામાન્ય માની લેવું જોઈએ નહીં.’

પ્રશ્નો ઉઠાવતા આલિયાએ આગળ લખ્યું, ‘જરા વિચારો.. શું તમે તમારા ઘરની અંદરનો કોઈ વીડિયો તમારી જાણ વગર જાહેરમાં શેર કરવામાં આવે તે સહન કરશો? અમારામાંથી કોઈ એવું નહીં કરે. નમ્ર પરંતુ કડક અપીલ છે કે, જો તમને આવો કોઈ કન્ટેન્ટ ઓનલાઈન મળે, તો કૃપા કરીને તેને ફોરવર્ડ કે શેર કરશો નહીં. અને મીડિયામાં અમારા મિત્રો જેમણે આ ફોટો અને વીડિયો પોસ્ટ કર્યા છે, હું તમને વિનંતી કરું છું કે તેને તાત્કાલિક દૂર કરો. આભાર.’