બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન અને અભિનેત્રી કરીના કપૂર ખાનના બાન્દ્રા વેસ્ટમાં આવેલા ઘરમાં ગુરુવારે વહેલી સવારે ચોરીની મોટી ઘટના બની. આ દરમિયાન સૈફ અલી ખાન પર ચપ્પા વડે હુમલો કરી દેવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે સૈફ અલી ખાનની હાલમાં લીલાવતી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મુંબઈ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ હાલમાં આ મામલે તપાસ કરી રહી છે.
જાેકે હજુ એ સ્પષ્ટ થયું નથી કે સૈફ અલી ખાનને પહેલા ચપ્પાંના ઘા મારવામાં આવ્યા કે પછી ચોર સાથે થયેલી અથડામણમાં તે ઈજાગ્રસ્ત થયો હતો. બાંદ્રા પોલીસે એફઆઈઆર નોંધી છે અને આરોપીને પકડવા માટે ટીમ પણ બનાવાઈ છે. કરીના કપૂર અને તેમના બાળકો સુરક્ષિત છે. તેઓ પણ હાલમાં હોસ્પિટલમાં સૈફની સાથે છે. અત્યાર સુધીની માહિતી અનુસાર સૈફ અલી ખાનને ગળા, પીઠ અને હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. તેને અમુક ઘા ઊંડા લાગ્યા છે જેના કારણે રિકવરીમાં ટાઈમ લાગી શકે છે.
લીલાવતી હોસ્પિટલ દ્વારા આ મામલે એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સૈફ અલી ખાનના શરીર પર ૬ ભાગ પર ઈજાના નિશાન મળ્યા છે. પોલીસે આ મામલે સીસીટીવી દ્વારા તપાસ શરૂ કરી દીધી છે. લીલાવતી હોસ્પિટલના સીઓઓ ડૉ. નીરજ ઉત્તમાણીએ જણાવ્યું હતું કે સૈફ પર તેના ઘરમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ હુમલો કર્યો હતો. આ હુમલામાં સૈફ ઘાયલ થયો હતો.
આવી સ્થિતિમાં, તેમને સવારે ૩ઃ૩૦ વાગ્યે લીલાવતી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. તેમન ે છ જગ્યાએ ઈજાઓ થઈ છે, જેમાંથી બે ગંભીર છે. એક ઈજા તેની કરોડરજ્જુ પાસે અને એક ગરદન પર થઈ હતી. ન્યુરોસર્જન નીતિન ડાંગે, કોસ્મેટિક સર્જન લીના જૈન અને એનેસ્થેટિસ્ટ નિશા ગાંધીએ સવારે ૫ઃ૩૦ વાગ્યે તેમની સર્જરી શરૂ કરી હતી અને હજુ પણ તેમાં વ્યસ્ત છે. સર્જરી પછી જ ખબર પડશે કે સૈફની હાલત કેવી છે.