આમિર ખાનની ફિલ્મ ‘સિતારે ઝમીન પર’ 20 જૂને રિલીઝ થઈ છે. આ ફિલ્મ મારફતે તેમણે ડાઉન સિન્ડ્રોમ અને ન્યુરો ડાયવર્જન્સ જેવા સંવેદનશીલ અને જટિલ વિષય પર પ્રકાશ પાડ્યો છે, જેમના વિશે સામાન્ય રીતે ગેરમાન્યતા હોય છે.
આ ફિલ્મ જોયા પછી, એક પરિવારે આમિર ખાન અને તેના પ્રોડક્શન હાઉસની પ્રશંસા કરી અને તેમનો આભાર માન્યો અને એક ભાવનાત્મક નોટ પણ લખી છે, જેમાં તેમણે જણાવ્યું કે, આ ફિલ્મે તેમના પરિવારના દુ:ખ અને પ્રેમને પડદા પર ખૂબ સારી રીતે દર્શાવ્યો છે. તેનાથી તેમને જીવન પ્રત્યે એક નવો દૃષ્ટિકોણ પણ મળ્યો.
એક વ્યક્તિએ કહ્યું કે, તેનો ભાઈ ઋષભ, જેને સેરેબ્રલ પાલ્સી છે, તે ફિલ્મ જોતી વખતે ખૂબ જ ભાવુક થઈ ગયો. તેની આંખોમાં આંસુ આવી ગયા અને તેણે કહ્યું, ‘આ લોકો બિલકુલ અમારા જેવા જ છે ને?’
આ નોટમાં પરિવારે ફિલ્મના કેટલાક ખાસ દૃશ્યોનો પણ ઉલ્લેખ કર્યો છે, જેમાં દિવ્યાંગતાને બીમારી તરીકે નહીં પરંતુ એક અલગ અનુભવ તરીકે દર્શાવવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું કે ફિલ્મમાં પરિવારોના સંઘર્ષ, પ્રેમ અને આશાઓને વાસ્તવિકતા સાથે પડદા પર દર્શાવવામાં આવી છે.