Entertainment

મૉડલે કહ્યું, ‘બહેનના લગ્ન માટેની બચત ચોરાઈ ગઈ, 30 કલાક બાદ પણ કોઈ કાર્યવાહી નથી થઈ’

‘બિગ બોસ 11’માં જોવા મળેલી મૉડલ બંદગી કાલરાના ઘરમાં ચોરી થઈ છે. તેણે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી. બંદગીએ જણાવ્યું કે, ‘ચોરીની ઘટનાને 30 કલાક વીતી ગયા છે પરંતુ હજુ સુધી પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી.’

બંદગી કાલરાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરીમાં એક ફોટો શેર કર્યો છે. ફોટોમાં તેના ઘરના દરવાજાનું તાળું તૂટેલું જોવા મળે છે. મૉડલે કેપ્શનમાં લખ્યું, ‘ગઈકાલે જ્યારે હું ઘરે આવી, ત્યારે મેં જોયું કે, મારા ઘરમાં ચોરી થઈ છે.

અંદરથી બહાર સુધી બધું જ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત છે. મારી બહેનના લગ્ન માટે એકઠી કરેલી ઘણી બધી મોંઘી વસ્તુઓ અને પૈસા ચોરાઈ ગયા છે. મારી પાસે ઘરે ઘણા પૈસા હતા.’

‘મારા ઘરનો કેમેરા પણ SD કાર્ડ સાથે ચોરાઈ ગયો છે અને એક નહીં પણ બે દરવાજા તૂટેલા છે અને કોઈને કંઈ ખબર નથી. આપણી સિસ્ટમ એટલી ધીમી અને નબળી છે કે, લોકો આરામથી બેસીને જમી ખાઈ રહ્યા છે પણ કંઈ કામ નથી કરી રહ્યાં. જ્યારે હું ઠીક થઈશ, ત્યારે હું જલ્દી જ એક વીડિયો બનાવીશ.’

બંદગીએ બીજી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરી છે. તેમાં તેણે લખ્યું કે, ‘ચોરી થયાને 30 કલાક વીતી ગયા છે પરંતુ હજુ સુધી આ કેસમાં કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. મેં ક્યારેય આટલું લાચાર અનુભવ્યું નથી.

જે રીતે વસ્તુઓ ચાલી રહી છે અથવા મારે કહેવું જોઈએ કે બિલકુલ ચાલી રહી નથી, તે જોઈને, મને હવે તેમની પ્રામાણિકતા અને તેમના કામ પ્રત્યેના ઇરાદા પર શંકા થઈ રહી છે. જે પગલાં લેવા જોઈતા હતા તે લેવામાં આવી રહ્યા નથી, જેથી આ બાબતને દબાવી શકાય. આ હવે સ્પષ્ટપણે દેખાય છે.’